મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : કોરોનાની મહામારીને લઈને માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે. જેને પગલે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે આજે શહેરના કિસાનપરા ચોક નજીક ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્નીનું માસ્ક મુદ્દે મહિલા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જો કે બાદમાં ઉચ્ચ અધિકારીઓએ દોડી જઈને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આ તકે મહિલા પોલીસ અધિકારીએ ખુદ રવિન્દ્ર જાડેજા સાથે તોછડાઈ કરી હોવાનો આરોપ રિવાબાએ લગાવ્યો છે.

મીડિયા સાથેની વાતચીતમાં રિવાબાએ જણાવ્યું હતું કે, તેઓ પતિ રવિન્દ્ર પોતાની કારમાં જઈ રહ્યા હતા. ત્યારે મહિલા પોલીસ અધિકારીએ તેમની કાર અટકાવી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. અને રવિન્દ્રને કહ્યું હતું કે, તું કોણ છો ? હાલ નીચે ઉતર અને લાઇસન્સ લાવ, એટલું જ નહીં સીધીનો રે જેવા શબ્દો બોલીને ભારે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું.

જો કે બીજી તરફ પોલીસ દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ઘર્ષણ બાદ અચાનક મહિલા પોલીસ અધિકારીની તબિયત લથડી હતી. અને તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે થોડીવારમાં જ તેઓ ત્યાંથી રજા લઈને નીકળી ગયા હતા.

વર્લ્ડ લાયન ડે પર પણ વિવાદ

ક્રિકેટર જાડેજાએ આજે વર્લ્ડ લાયન ડે પર પોતાનો સિંહના બચ્ચા સાથેનો ફોટો શેર કર્યો છે. આ સિંહનો ફોટો તેમણે કયા સંજોગોમાં પડાવ્યો હશે તેને લઈને વિવિધ ચર્ચાઓનો દૌર શરૂ થયો છે.