મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ 1986-88 વચ્ચે પ્રસારિત થયેલી આ ટીવી સીરિયલના એક્ટર્સને લોકો ખરા જીવનમાં પણ તેમના અસલી નામને જગ્યાએ તેમના કિરદારના નામથી જાણવા લાગ્યા હતા. રામ અને સિતાનું કેરેક્ટર નિભાવનાર બંને એક્ટર્સને તો લોકો ચરણ સ્પર્શ કરી આશિર્વાદ માગતા હતા. આ સીરિયલ એટલી પોપ્યુલર હતી કે રામાનંદ સાગરની રામાયણનુંએક એક કેરેક્ટર આજે પણ લોકોને યાદ છે. આ રામાયણમાં રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદીએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. અરવિંદ મૂળ રુપથી મધ્યપ્રદેશના શહેરમાં ઈંદોરના હતા. અરવિંદના મોટાભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી થિયેટરના જાણિતા આર્ટિસ્ટ રહ્યા. ભાઈને જોઈને અરવિંદે પણ એક્ટિંગ કરવાનું નક્કી કર્યું હતું.

રાવણના રોલમાં તેમને એવી જોરદાર સફળતા મળી કે તેઓ સફળતાના શિખર પર હતા. લોકો તેમને ખરા જીવનમાં પણ રાવણ સમજવા લાગ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં અરવિંદ ત્રિવેદીએ કહ્યું હતું કે, હું હોળીવાળાના રોલ માટે ઈન્ટરવ્યૂ આપવા ગયો હતો પરંતુ રામાનંદ સાગરએ મને રાવણ માટે નક્કી કરી લીધો. તેમણે કહ્યું હતું કે, તમામનું ઓડિશન થયા પછી મને બોલાવાયો હતો. તેમણે મને સ્ક્રિપ્ટ આપી.

સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ હું હજુ થોડા જ પગલા ચાલ્યો કે રામાનંદજીએ ખુશીથી ચમકતા કહ્યુંકે બસ મળી ગયો મને મારો લંકેશ, આ છે મારો રાવણ. હું ચોંકીને આમતેમ જોવા લાગ્યો કે મેં તો કોઈ ડાયલોગ પણ બોલ્યો નથી અને આવું કેમ કહી રહ્યા છે. જ્યારે મેં તેમને પુછ્યું તો તેમણે કહ્યું કે રાવણ એવો જોઈએ, જેમાં ફક્ત શક્તિ જ ન હોય, પણ ભક્તિ પણ હોય. તે વિદ્વાન છે, તો તેના ચહેરા પર તેજ હોય, અભિમાન હોય અને મને બધું તમારી ચાલ પરથી એ વિશ્વાસ બેસી ગયો છે કે તમે આ કિરદાર માટે યોગ્ય છો.

અરવિંદ ત્રિવેદીએ કહ્યું હતું કે, આ સીરિયલ બાદ લોકો માટે અરવિંદ ત્રિવેદી નહીં, હું લંકાપતિ રાવણ થઈ ગયો હતો. મારા બાળકોને લોકો રાવણના બાળકો અને મારી પત્નીને મંદોદરીના નામથી બોલાવવા લાગ્યા હતા. મેં આવું ક્યારેય વિચાર્યું ન હતું કે રાવણનું કેરેક્ટર નિભાવીને હું આટલો ફેમસ થઈ જઈશ. ફક્ત ભારત જ નહીં, પણ વિદેશોમાં પણ લોકો મને જાણતા થઈ ગયા. જે દિવસ સીરિયલમાં રાવણ માર્યો ગયો હતો, તે દિવસે મારા વિસ્તારમાં શોક મનાવાયો હતો.

તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ હું કાર્યક્રમોમાં ગયો તો એવું લાગતું કે લોકોના દિલમાં રાવણનું કેટલું માન છે. લોકો આજે પણ રાવણને વિદ્વાન માને છે. આજે પણ દક્ષિણમાં લોકો રાવણના નામ પર પોતાનું નામ રાખે છે. રાવણએ તો રામના થકી પોતાના પુરા ભવને મોક્ષ અપાવ્યો હતો. જો રાવણ આત્મકેન્દ્રીત હોતો તો ખુદ હિરણ બનીને મોક્ષ પ્રાપ્ત કરી લેતો. રાવણ ઘણો સિદ્ધાંતવાદી માણસ હતો. તે ઘોર તપી અને નિયમો માનતો હતો. અહંકારને છોડીને રાવણ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે.