મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત હાલમાં જ કોરોનાની બીજી લહેર વખતે મોટી ઊભી થયેલી મોટી દ્વીધામાંથી બહાર આવવા લાગ્યું છે ત્યારે મ્યૂકર માયકોસિસ (બ્લેક ફંગસ) જેવી મહામારીના પણ કેસ વધી રહ્યા છે. આ સમયે 12મી જુલાઈએ અમદાવાદની સૌથી મોટી રથયાત્રા કાઢવા મંદીર દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. મંદિરે એવી પણ તૈયારી દર્શાવી છે કે સરકાર જે પ્રકારે કહેશે તે પ્રકારે રથયાત્રા કાઢવા તે તૈયાર છે. જોકે મુખ્યમંત્રી રુપાણીએ આ સંદર્ભે કહ્યું છે કે યોગ્ય સમય આવ્યે તેઓ નિર્ણય કરશે.

મુખ્યમંત્રી વિજય રુપાણીનું કહેવું છે કે, હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે. ત્યારે પ્રજાની સાવચેતી અને સલામતી પણ એક જવાબદારી છે. ગુજરાતે લોકડાઉન વગર કોરોનાની બીજી લહેરને હરાવી છે. સ્થિતિ પર નિયંત્રણ આવી રહ્યું છે, પણ રથયાત્રા કાઢવા અંગે યોગ્ય સમયે નિર્ણય કરાશે.

ઉલ્લેખનીય છે કે બુધવારે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે રથયાત્રાની તૈયારીઓને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈ મંદિર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ગત વર્ષે 143મી રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરી હતી જેનું કારણ કોરોના મહામારી હતી. હાઈકોર્ટે પણ આ મામલે સુનાવણી કરી હતી. જેમાં આખરે મંદિર પરિસરમાં રથયાત્રા યોજવાનું નક્કી થયું હતું. રથને મંદિર પરિસર બહાર અમદાવાદના વિવિધ પરંપરાગત રૂટ પર ફેરવવામાં આવી ન્હોતી.

મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે કે, અમે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારની મંજુરી લેવાની છે. સરકાર અને પોલીસ જે પ્રકારે પરવાનગી આપશે તે રીતે રથયાત્રા કાઢવામાં આવશે આ વર્ષોથી ચાલતી પરંપરા મુજબ થતી ધાર્મિક વિધિઓ છે. કોરોનાની ગાઈડલાઈન્સનું પણ તેમાં ધ્યાન રાખવામાં આવશે.