મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અને હેરાફેરી નાથવામાં મહદંશે સફળ રહ્યા છે. બુટલેગરો અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઠાલવવા સતત નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. બુટલેગરો માટે રતનપુર ચેકપોસ્ટ વિદેશી દારૂ ઠાલવવા સિલ્ક રૂટ તરીકે જાણીતી છે. રાજસ્થાનથી ટર્બો ટ્રકમાં શાકભાજીના કેરેટની આડમાં ૭.૬૨ લાખનો વિદેશી ભરી રતનપુર ચેકપોસ્ટ પરથી શામળાજી પોલીસને થાપ આપવામાં સફળ રહેલ ટર્બો ટ્રકને એલસીબી પોલીસે ને.હા.નં-૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા પરથી ઝડપી લેતા બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. અરવલ્લી એલસીબી પોલીસે ટર્બો ટ્રકમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતા શામળાજી પોલીસની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે. રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં વિવિધ વાહનો મારફતે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે. 

અરવલ્લી એલસીબી પીઆઇ આર.કે.પરમાર અને તેમની ટીમે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલ વાંટડા ટોલપ્લાઝા નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું. શામળાજી તરફથી ટર્બો ટ્રકમાં વિદેશી દારૂની રાજસ્થાન થી અમદાવાદ હેરાફેરી થતી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે નાકાબંધી ગોઠવી દીધી હતી. રતનપુર ચેકપોસ્ટ તરફથી બાતમી આધારિત ટર્બો ટ્રક આવતા અટકાવી તલાસી લેતા ટર્બો ટ્રકમાં શાકભાજીના કેરેટની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૯૮૦/- કીં.રૂ.૭૬૨૦૦૦/- નો જથ્થો જપ્ત કરી ૧)પ્રહલાદ તુલશારામ જાટ અને ૨)બલબીર સોલરામ જાટ (બંને,રહે.રાજસ્થાન) ને ઝડપી પાડી ટર્બો ટ્રક,મોબાઇલ,શાકભાજીના ખાલી કેરેટ અને વિદેશી દારૂ મળી કુલ.રૂ.૧૨૭૨૫૦૦ /- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બંને ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.