પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પત્રકારત્વમાં આવનાર વ્યકિત પણ સમાજમાંથી જ આવતી હોય છે, જેના કારણે જેવો આપણો સમાજ છે તેવો જ પત્રકાર પણ રહેવાનો છે. આ એક સામાન્ય સામાજીક ગણિત છે, પણ આ દલીલ કરી પત્રકાર પોતાની સામાજીક જવાબદારીમાંથી છટકી શકે નહીં, પત્રકારત્વમાં આવ્યા તે પહેલા તે પત્રકાર સંવેદનશીલ નહીં હોય તો ચાલશે, પણ એક વખત પત્રકારત્વમાં દાખલ થયા પછી તમામ વિષયમાં સંવેદનશીલ બનવું જ પડશે. પત્રકારનું કામ સ્ટોરી લખવાનું છે સમાજમાં બનતી ઘટનાઓને તે પોતાની કલમ દ્વારા અથવા કેમેરા દ્વારા લોકોની સામે મુકે છે, પણ જેમના વિશે તે લખે તે માત્ર સ્ટોરી નથી તે જીવતો જાગતો માણસ છે તે તેણે ભુલવું જોઈ નહીં.

ગુજરાતી પત્રકારત્વમાં પણ છેલ્લાં એક દાયકાથી અંગ્રેજી અખબારની ઓફિસમાં થતી તંત્રી અને રિપોર્ટર્સની મોર્નીંગ મિટીંગ્સ શરૂ થઈ છે. આ મોર્નીંગ મિટીંગમાં રિપોર્ટર્સ પોતાના બીટ (ઉદા. ક્રાઈમ, પોલીટીક્સ, એજ્યુકેશન... વગેરે)માં થયેલી ઘટનાઓથી તંત્રીને વાકેફ કરે છે અને તંત્રી તેમના રિપોર્ટર્સ પાસે રહેલી સ્ટોરી ઉપર કયા પ્રકારનું કામ થઈ શકે અને કઈ રીતે વધુ સારી  સ્ટોરી થઈ શકે તેની સૂચના આપે છે. સતત પોસ્ટમાર્ટમ રૂમમાં કામ કરતા ડૉકટર અથવા સ્ટાફને કોઈનો મૃતદેહ જોઈ લેવાય તો કોઈ ફેર પડતો નથી, તેવું ક્રમશઃ રિપોર્ટર અને તંત્રીઓને પણ થવા લાગ્યું છે. તેમના માટે તમામ માણસ એટલે એક સ્ટોરી બની જાય છે. બળાત્કાર કાયમ પીડાદાયક જ હોય છે. પછી તે કોઈ શ્રીમંત છોકરી ઉપર થાય અથવા કોઈ ઝુપડામાં રહેતી ગરીબ છોકરી ઉપર થાય.

પરંતુ આપણા દેશમાં તમામ સ્તરે ભોગ બનનાર કયાં રહે છે, કેવા વર્ગનો છે, કેટલો શિક્ષીત છે, કેટલો પૈસાપાત્ર છે તેના આધારે ગુનાની ગંભીરતા અને માત્રા બદલાતી હોય છે. કચ્છના કોઈ દુરના ગામડામાં કોઈ ખેત મજુર સ્ત્રી ઉપર બળાત્કાર થાય તો અખબારના કોઈક ખુણામાં તેની પીડા બે પેરેગ્રાફની સ્ટોરી બની જાય છે, પણ જો બળાત્કાર અમદાવાદમાં અથવા દિલ્હી જેવા મોટા મહાનગરમાં થાય તો તે મોટી સ્ટોરી બની જાય છે. અમદાવાદ અને દિલ્હીમાં જો કોઈ ગરીબ છોકરી સાથે બળાત્કાર થાય તો પાછી સ્ટોરીના શબ્દોની સંખ્યા ઘટી જાય  છે. એક વખત આપણે માની લઈએ કે તંત્ર આ મામલે સંવેદનશીલતા ગુમાવે પણ પત્રકારે સતત પોતાની સંવેદનાને જીવતી રાખવાની હોય છે અને તે પ્રયાસ તેણે પોતે કરવાનો હોય છે.

તારે સંવેદનશીલ રહેવાનું છે તેવું કોઈ બહારથી આવી જગાડી શકશે નહીં. મેં ક્રાઈમ રિપોર્ટીંગ કરતા પત્રકારોના સંવાદ સાંભળ્યા છે, તેઓ જ્યારે બળાત્કારની ઘટનાની વાત કરે ત્યારે કહે છે સારા ઘરની છોકરી ઉપર બળાત્કાર થયો છે, પહેલી વખત તમે આ સંવાદ સાંભળ્યો ત્યારે તમને કઈ જ અજુગતુ લાગે નહીં, પરંતુ સારા ઘરની તેવો શબ્દ પ્રયોગ થાય ત્યારે ભોગ બનાનાર છોકરી પહેલા તો મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યવર્ગની છે અને તેની સાથે તે બ્રાહ્મણ-પટેલ અથવા વણિક પરિવારની છે. તેવું તે કહેવા માગે છે. બળાત્કાર સર્વણ ઉપર થાય અથવા દલિત અને મુસ્લિમ ઉપર થાય તેની પીડા સરખી જ હોય છે તો પછી બળાત્કારની ઘટનાને જોવાની દ્રષ્ટી કેમ બદલાઈ જાય છે. આ જ પ્રકારે બીજો શબ્દ પ્રયોગ થાય બળાત્કાર નાનો છે અથવા બળાત્કાર મોટો છે.

નાનો બળાત્કારનો અર્થ થાય છે ગરીબ છોકરી ઉપર બળાત્કાર થયો છે અને મોટો બળાત્કાર સારા ઘરની જેમ પહેલા કહ્યું તેવા વર્ગમાં થયો, આમ આપણી સંવેદનશીલતા ઘટી રહી છે. તેનું ઉદાહરણ છે.

આ જ પ્રકારે ક્યારેક મુસ્લિમની વાત નીકળે ત્યારે વાત વાતમાં કહી દેવામાં આવે છે કે યુસુફ મુસ્લિમ હોવા છતાં સારો માણસ છે, તમે તેને જોઈને કહી શકો નહીં કે તે મુસ્લિમ છે. અહિયા આપણે યુસુફના વખાણ કરતા નથી, પણ સમગ્ર મુસ્લિમોનું આ કરતા કોઈ મોટું અપમાન હોઈ શકે નહીં આપણા મનમાં પડેલી સડેલી માનસીકતાનું આ પ્રમાણ છે. કે આપણે માની જ લીધુ છે કે મુસ્લિમ ખરાબ જ હોય, દેશના રાજકારણમાં પણ અનેક મુસ્લિમ નેતાઓનું યોગદાન છે. તેમનો પરિચય આપતા એવું કહેવામાં આવે છે કે રાષ્ટ્રવાદી મુસ્લિમ આગેવાન છે.

શા માટે કોઈ મુસ્લિમ નેતાની વાત કરતી વખતે તેના વખાણ કરવા આપણે તેને રાષ્ટ્રવાદી કહેવો પડે, રાષ્ટ્રવાદ દરેક ભારતીયના ડીએનએમાં છે તેને તમે શરીરથી છુટો પાડી બતાડી શકો નહીં, જો મુસ્લિમ નેતાના પરિચયમાં તેમને રાષ્ટ્રવાદી કહેવામાં આવે તો કોઈ હિન્દુ નેતાના પરિચયમાં કેમ કહેવામાં આવતુ નથી કે હિન્દુ રાષ્ટ્રવાદી નેતા છે. આપણે માની લીધુ છે કે હિન્દુ તો રાષ્ટ્રવાદી જ હોય છે, રાષ્ટ્રવાદની કમી તો માત્ર મુસ્લિમોમાં જ છે. પત્રકારે આ પ્રકારના વિષયને લઈ સંવેદનશીલ બનવુ પડશે. જો પત્રકાર માનસીક બીમાર, સંકુચીત અને પુર્વગ્રહ પિડીત હશે તો સમાજ પણ તેવો ખોખલો જ બનશે કારણ આજે પણ આપણે ત્યાં અખબારમાં આવતા સમાચારો ઉપર આજે પણ ગીતા, બાઈબલ, કુરાન અને મહાભારત જેટલો ભરોસો કરવામાં આવે છે.