મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતમાં ન્યાય મળવાની ધીમી ગતિને કારણે પીડિતોને ન્યાય જ્યારે મળે છે ત્યારે તે ન્યાય કહેવામાં પણ શરમ આવી જાય તેવી સ્થિતિ છે જેને કારણે ગુનેગારો હવે બેફામ થતા જાય છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેની સાથે સાથે ઘણી સમસ્યાઓ પણ વધી રહી છે. લોકોમાં શિક્ષાનું પ્રમાણ પણ આઝાદી કરતાં હવે ઘણું વધી ગયું હોવા છતાં અમુક કૃત્યો કરતાં પણ હવે તે પોતાના ભણતરમાં મળેલી બુદ્ધીનો પ્રયોગ કરતાં નથી. હાલ કાયદાની બીક ખાલી ગરીબ અને મધ્યમ વર્ગમાં અમુકને છે, બાકી ઘણા લોકોમાં કાયદો શું કરી લેશી, વર્ષો સુધી કેસ ચાલશે અને ન્યાય થશે ત્યારે ખબર નથી જીવતા હોઈશું કે નહીં તેવું વિચારીને પણ પોતાની કુબુદ્ધીથી ગુનાઓ કરતાં હોય છે. ગુજરાત સહિત દેશભરમાં ગુનાખોરીનો રેકોર્ડ રાખતુ એનસીઆરબી, કે જેણે અમુક રેકોર્ડ બનાવ્યા છે તેના આધારે ગુજરાતમાં બળાત્કારના કેસમાં 16 ટકાનો વધારો થયો છે. ઉપરાંત દેશ ભરમાં અઢી ટકા જેટલો વધારો થવા પામ્યો છે.

દેશમાં ક્રાઈમ રેટ અથવા એક લાખની વસતીદીઠ અપરાધોની સંખ્યા 2017માં 388.6 હતી, તે 2018માં વધીને 683.5 થઈ છે. 2016માં આ દર 379.3 હતો એ પછી અપરાધોની સંખ્યા 2017 સુધી વધવા લાગી હતી, પણ હવે એ ઉલ્ટાઈ છે. 2017નો રિપોર્ટ મોડેથી જાહેર કર્યો પછી એનસીઆરબીએ અઢી મહિનામાં જ 2018નો ક્રાઈમ રિપોર્ટ જારી કર્યો છે. એ મુજબ આઈપીસી અને સ્પેશ્યલ એન્ડ લોકલ લોઝ (એસએલએલ) હેઠળ કોગ્નીઝેબલ ક્રાઈમની સંખ્યા 2017માં 50.07 લાખ હતી તે 2018માં વધી 50.74 લાખ થઈ છે. એલએલએલ ક્રાઈમ વ્યક્તિગત રીતે 0.1% ઘટયા છે. જયારે આઈપીસી હેઠળના અપરાધોની સંખ્યા 2.03% વધી છે.

2018માં હત્યાના 29017 કેસ નોંધાયા હતા. 2017માં 28,653 બનાવો સાથે તુલના કરતા હત્યાના કેસોમાં એક વર્ષમાં 1.3% નો વધારો થયો છે. 2016માં (30450) હત્યા સામે 2017માં હત્યાના કેસો 6% ઘટયા હતા. મર્ડર પાછળ મુખ્ય કારણ ઝઘડો-વિવાદ હતું. (9623 કેસો) એ પછી અંગત અદાવત (3875) અને ફાયદો (2995) હતું.

2017ની સરખામણીએ 2018માં અપહરણના કેસો વધી 1.05 લાખ થયા હતા. એમાંના 80,817 કેસોમાં પીડિત મહિલાઓ હતી. એનસીઆરબીના રિપોર્ટ મુજબ ગુજરાતમાં બળાત્કારના કેસો 2017માં 477 હતા તે 2018માં 16% વધી 533 થયા હતા. પોકસો એકટ હેઠળ પણ બાળ યૌનશોષણના કેસોની સંખ્યા 2017માં 1671થી 28% વધી 2018માં 2127 થઈ હતી. રિપોર્ટમાં ગુજરાતના અમદાવાદ અને સુરત બે શહેરોનો ઉલ્લેખ કરાયો છે. આ બન્ને શહેરોમાં બળાત્કારના કેસોની સંખ્યા અનુક્રમે 6.25% (64થી68) અને 43% (32થી46) થઈ છે.

રિપોર્ટ મુજબ 2018માં ગુજરાત પોલીસે 8476 કેસોનો નિકાલ કર્યો હતો. 82.2% કેસોમાં પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી અને વર્ષના અંતે 8.6% કેસોમાં ફાઈલ કરવી બાકી હતી. કોર્ટ સ્તરે આરોપીઓના માત્ર 3.8% ને દોષિત ઠરાવાયા હતા.

રિપોર્ટ અનુસાર કેરળમાં ગુનાખોરીનો (આઈપીસી એનએસએલએલ) દર દેશમાં સૌથી વધુ (1453) છે. એ પછી દિલ્હી (1342) નો ક્રમ આવે છે. એક લાખની વસતીદીઠ સૌથી વધુ અપરાધો કેરળના કોચી (2581)માં બન્યા છે. એ પછી દિલ્હી (1457) અને જયપુર (1065) નો ક્રમ આવે છે. કોલકતામાં ક્રાઈમ રેટ સૌથી ઓછો (152) નોંધાયો હતો.

2018ના કુલ અપરાધોમાં આઈપીસી હેઠળના ગુના (61.7%) હતા, જયારે એલએલએલ ક્રાઈમ રેટ 38.2% હતો. મહિલાઓ સામે એક લાખની વસ્તી દીઠ ગુનાઓ 2017માં 57.9 હતા. તે 2018માં 58.8 થયા છે. આસામમાં 1 લાખ મહિલાની વસતી સામે સૌથી વધુ ક્રાઈમ રેટ (1660) જોવા મળ્યો હતો. એ પછી દિલ્હી (1496)નો ક્રમ આવે છે. નાગાલેન્ડ મહિલાઓ માટે સૌથી સલામત (7.3) છે. એ પછી ગુજરાત (23)નો નંબર આવે છે. મહિલાઓ સામે આઈપીસીના કુલ અપરાધોમાં બળાત્કારના કેસો 10.35 હતા.