મેરાન્યૂઝ નેટવર્ક.ચંદીગઢઃ રંજીત સિંહ હત્યા કેસ મામલે પંચકૂલાની સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન)ની સ્પેશ્યલ કોર્ટે આજે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને અન્ય ચાર દોષિતોને ઉંમર કેદની સજા સંભળાવી છે. આ મામલામાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ સહિત ચાર શખ્સો દોષિત મળ્યા છે. સોમવારની સુનાવણીમાં રામ રહીમને વીડિયો કોન્ફરન્સ દ્વારા રજુ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સજાનું એલાન પહેલા 12 ઓક્ટોબરે કરવાનું હતું પરંતુ કોર્ટે પોતાનો નિર્ણય 18 ઓક્ટોબર સુધી સુરક્ષીત કરી લીધો હતો. સીબીઆઈની ખાસ કોર્ટે ડેરા સત્તા સૌદા પ્રમુખ ગુરમીત રામરહીમ અને અન્ય ચારને ડેરાના પૂર્વ સંચાલક રંજીત સિહંની હત્યા મામલામાં કલમ 302, 120 બી અંતર્ગત દોષિત જાહેર કર્યા હતા.

ગત મંગળવારે એટલે કે 12 ઓક્ટોબરે સજાની જાહેરાતને ધ્યાનમાં રાખીને, પંચકુલાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મોહિત હાંડાએ જિલ્લામાં કલમ 144 લાગુ કરી હતી. જિલ્લામાં કોઈપણ પ્રકારનો તણાવ ઊભો કરવા, શાંતિ અને તોફાનોને ખલેલ પહોંચાડવા માટે જાન -માલના નુકસાનની આશંકાને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, ડેરામાં એક સાધ્વી પર કથિત બળાત્કારના આક્ષેપો પ્રકાશમાં આવ્યા બાદ ડેરાના વડા ગુરમીત રામ રહીમ સાથે ડેરા મેનેજર રણજીત સિંહના મતભેદો વધી ગયા હતા. આ પછી, 10 જુલાઈ, 2002ના રોજ, કુરુક્ષેત્ર જિલ્લાના ખાનપુર કોલીયાં ગામમાં તેમના ખેતરો પાસે ગોળી મારી દેવામાં આવી.

ગુરમીત રામ રહીમ હાલમાં રોહતક જિલ્લાની સુનારિયા જેલમાં બંધ છે. 25 ઓગસ્ટ, 2017 ના રોજ, પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે તેને બે સાધ્વીઓ (મહિલા શિષ્યો) પર બળાત્કાર માટે દોષિત ઠેરવ્યા હતા અને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. 17 જાન્યુઆરી, 2019 ના રોજ, એ જ સીબીઆઈ કોર્ટે તેને સિરસા સ્થિત પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં આજીવન કેદની સજા પણ સંભળાવી હતી.