મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ જાણિતા કશ્મીરી મોડલ જુનૈદ શાહનું નિધન થઈ ગયું છે. જુનૈદ શાહ બોલીવુડના અભિનેતા રણબીર કપૂરના જેવો જ બીલકુલ લાગતો હતો. તે કારણે તે ખુબ ચર્ચામાં રહેતો હતો. જુનૈદ શાહ અભિનેતા રણબીર કપૂર જેવો જ દેખાતો હોવાથી તેના ચાહકો પણ ઘણા હતા. તેનું નિધન કાર્ડિયાક એરેસ્ટને પગલે થયું છે. શ્રીનગરના ઈલાહી બાગમાં તેના ઘરે જ તેનું નિધન થયું છે. આ વાતની જાણકારી કશ્મીરના જાણિતા પત્રકાર યુસુફ જુનૈદએ આપી છે.

યુસુફ જુનૈદએ પોતાના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરતાં કહ્યું કે જુનૈદ શાહ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, મોડી રાત્રે અમારા પડોશી નિસાર અહેમદ શાહનો દિકરો જુનૈદ શાહ કાર્ડિયાક અરેસ્ટને પગલે દુનિયા છોડીને જતો રહ્યો છે. લોકો તેમને બોલીવુડના અભિનેતા રણબીર કપૂરના ડૂપ્લીકેટ હોવાનું કહેતા હતા.

ઉલ્લેખનીય છે કે, જુનૈદ શાહ અને રણબીર કપૂરનો ચહેરો ખુબ મળતો આવે છે. મોટા ભાગે ઘણા સ્ટાર્સના નેતાઓના ડૂપ્લીકેટ્સ છે જ તે આપ જાણો જ છો પણ જુનૈદ તો એક ઘડીએ આપને જ વિચારતા કરી મુકે તેવો બીલકુલ એક સરખો ચહેરો ધરાવતો હતો. જુનૈદ શાહ પણ રણબીર કપૂરના સ્ટાઈલ અને પહેરવેશને ફોલો કરતો હતો. ફેન્સ ઉપરાંત ખુદ રણબીર કપૂરના પિતા અને અભિનેતા એવા સ્વ. ઋષિ કપૂર પણ એક સમયે જુનૈદથી ઈમ્પ્રેસ થઈને જુનૈદની સોશિયલ મીડિયા પર પ્રસંશા કરી હતી.

વર્ષ 2015માં અભિનેતા ઋષિ કપૂરે દિકરા રણબીર કપૂર અને જુનૈદ શાહની તસવીરના કોલાજને પોતાના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં ઋષિએ ખુદ લખ્યું હતું કે, હે ભગવાન મારા દિકરાનો ડૂપ્લીકેટ!!! વિશ્વાસ નથી થઈ રહ્યો. એક સારો ડૂપ્લીકેટ. ઉલ્લેખનીય છે કે તેના નિધનને પગલે ઘણા લોકો દુઃખી થયા છે.