મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અભણ ખેડૂતોની જમીન તેમની જાણ બહાર પોતાને નામે કરી ત્યાર બાદ સમાધાન પેટે નાની રકમ પકડાવી દેવાનું ચલણ ખુબ વધ્યુ છે. આવી જ ઘટના અમદાવાદના રામોલ  વિસ્તારમાં આવેલી દસક્રોઈ મામલદાર ઓફિસ બહાર ઘટી હતી, ખેડુતને સમાધાન માટે બોલાવી , પૈસા ભરેલા થેલા બતાડી, મામલદાર સામે સહિ સિક્કા કરાવી લીધા બાદ, અહિયા પોલીસ આવશે તેવો ડર બતાડી પોતાની કારમાં બેસાડી ગાંધીનગર હાઈવે ઉપર ફેંકી દેવાની ઘટના ઘટી હતી, આ મામલે પોલીસ સામે આવતા , રામોલ પોલીસે આ મામલે બાપુનગરના બીલ્ડર સહિત નવ આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે. 

રામોલ  પોલીસ સામે આવેલી ફરિયાદ અનુસાર ખેડુત  મંગાજી ઠાકોર અને વિરમ રબારી વચ્ચે જમીનનો વિવાદ ચાલતો, મંગાજીનો દાવો હતો કે તેમની વડીલોપાર્જીત જમીનમાં ખોટી રીતે માલિક નથી તેવી  વ્યકિતના નામ સામેલ થઈ ગયા છે આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને કોર્ટમં દાવાઓ પણ થયા હતા,  પરંતુ આ કેસના આરોપીઓ પૈકી કેટલાંક લોકોએ મંગાજીનો સંપર્ક કરી સમાધાન પેટે 11 કરોડ આપવાની તૈયારી બતાડી વિશ્વાસ સંપાદન કરવા એક કરોડ રૂપિયા આપ્યા પણ હતા.

ત્યાર બાદ તા 12મી નવેમ્બરના રોજ સમાધાનનું કબુલાત નામુ કરાવવા માટે ખેડુતને દસક્રોઈ મામલતદાર ઓફિસમાં બોલાવ્યા હતા,જયા કારની ડેકીમાં પૈસા તૈયાર છે તેમ કહી કાગળો ઉપર સહીઓ કરાવી મામલદાર સામે મોકલ્યા હતા, પરંતુ કારમાં પૈસા હોવાને કારણે ખેડુત મંગાજીનો સાળો બાબુભાઈ સમાધાન કરવા આવેલી વ્યકિતઓ પાસે ઉભો હતો, આ દરમિયાન અહિયા પોલીસ આવી ગઈ છે તેમ જણાવી આરોપીઓએ બાબુભાઈને કારમાં બેસાડી કાર મારી મુકી હતી અને ત્યાર બાદ ચીલોડા પાસે કારમાં રહેલા આરોપી ભરતસિંહે પોતાની પાસે રહેલા બંદુક જેવુ હથિયાર બતાડી બાબુભાઈને કારમાં બહાર ફેંકી કાર ભગાવી મુકી હતી, આમ ખેડુત પાસે જમીન પોતાના નામે કરાવી પૈસા આપ્યા ભાગી જઈ છેતરપીડી કરી હતી.

આ મામલો રામોલ પોલીસ ઈન્સપેકટર કે એસ દવે સામે આવતા તેમણે આ મામલે નાયબ પોલીસ કમિશનર અચલ ત્યાગીના ધ્યાન ઉપર મુકતા ઈન્સપેકટર દવે અને ડીસીપી ત્યાગીએ ફરિયાદીની સઘન પુછપરછ કરી હતી, બનાવની ગંભીરતાની ધ્યાનમાં લઈ અધિક પોલીસ કમિશનર ગૌતમ પરમારે કેસનો અભ્યાસ કરી જરૂરી સુચના  આપી  હતી, આખરે મંગળવારની રાતે રામોલ પોલીસે ગુનો નોંધવાની નિર્ણય કરી આ કેસમાં ખેડુત સાથે પુર્વયોજીત ગુનો અચરનાર આરોપી વિરમ રબારી, અંબાભાઈ વાટલીયા, ચંદુ ધાનાણી, ડુંગરભાઈ કોતડીયા, રમેશ વડોદરીયા, વિરમ રૂપાપરા, ભરતસિંહ, પ્રફુલ વ્યાસ  અને વિનોદ ઉર્ફે રાવણ સામે ગુનો નોંધ્યો છે આમ ખેડુતની દિવાળી બગાડવા નિકળેલા બીલ્ડરોની દિવાળી ખરાબ થઈ ગઈ છે.