રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): કૂવામાં હોય તો હવાડામાં આવે; એ કહેવતમાં શાણપણ છે. માબાપ પોતે જ દ્રષ્ટિહીન હોય તો બાળકો શું કરે? માબાપ અંધશ્રદ્ધાળું હોય તો બાળકો અંધભક્ત બનવાના. બાવળ વાવીએ તો કેરી ન મળે ! બાળકોને કેળવવાનું કામ માબાપનું છે; પરંતુ માબાપ આ કામ ન કરે તો આ ભાર શાળાના શિક્ષકોના માથે આવે છે. હું અનેક વખત ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘ગુણોત્સવ’ વેળાએ પ્રાથમિક શાળાઓમાં ગયો છું. જે શાળામાં શિક્ષિકાઓ વધુ હોય કે આચાર્ય મહિલા હોય તે શાળાની ગુણવત્તા વધુ સારી જોવા મળતી. દાહોદની એક પ્રાથમિક શાળાની મુલાકાત વેળાએ શિક્ષક જ દારુ પીધેલા હતા ! શિક્ષકો લો-વેસ્ટના પેન્ટ પહેરી, માવા ચાવતા ભણાવતા હોય છે. શિક્ષકો બાળકોને માવા લેવા ગલ્લે મોકલે છે; બાળકો ભવિષ્યના વ્યસની બનશે ! શિક્ષિકાઓ પોતાની ફરજ પ્રત્યે વધુ ગંભીર જોવા મળે છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નહીં, માત્ર શિક્ષિકાઓ જ હોવી જોઈએ !

પ્રાથમિક શાળાના શિક્ષિકા ચંદ્રિકા સોલંકીએ 16 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબૂક ઉપર શિક્ષણ જગતની વેદના વ્યક્ત કરી છે : “ગુરુ-શુક્ર બે દિવસ હું સ્કૂલમાં તદ્દન એકલી જ હતી. મારે એકલા હાથે શિક્ષક, આચાર્ય, પટાવાળાની ભૂમિકા ભજવવાની હતી. બિલકુલ શિસ્ત વિનાના, માથાભારે, ભણવામાં બિલકુલ રસ નહીં, અને શિક્ષક સ઼ામે બોલવા લાગે એવા અમારા માથાભારે ધોરણ 8 થી 5ના છોકરાઓને સાચવવામાં ધોળેદિવસે તારા દેખાય જાય ! એ તમામ છોકરાઓને મેં મારી પાસે ઓફીસમાં જ બેસાડેલા. છોકરીઓ હોંશિયાર અને પ્રમાણમાં છોકરા કરતા ડાહી છે; એમને વર્ગમાં ધોરણ પ્રમાણે  બેસાડી હું વારંવાર એ કલાસમાં પણ જતી હતી. ઓફીસમાં ધોરણ 1 થી 8ના બાળકો સમાય પણ નહીં. અમારી સ્કૂલમાં તમામ પ્રવૃત્તિઓમાં અને વાર્ષિક પરીક્ષામાં પણ દીકરીઓ જ આગળ હોય છે. ગુરુવારે ધોરણ 7ના બે વિદ્યાર્થીઓ એક બીજાને મારી હાજરીમાં મારતા હતા અને બોલપેનનો પોઈન્ટ ખૂંચાડતા હતા.

મેં એમાંથી એક જાડીયા છોકરાને જુદા બેસવા કહયું તો એ દલીલ કરવા લાગ્યો અને ફરી પેલા છોકરાને મારવા લાગ્યો. મેં એને બાવડું પકડી ઊભો કરી અલગ બેસાડયો. એ એવો જાડો છે, એનું  બાવડું મારા હાથમાં ન આવતા છટકયું. બીજે દિવસે ચાલું પ્રાર્થનાએ એની માતાજી આવી; બાળકોની હાજરીમાં બોલવા લાગી,મેં એને કહયું કે પ્રાર્થના પૂરી થઈ જવા દો પછી આપણે એફીસમાં બેસી તમારી વાત, ફરિયાદ સાંભળીએ. એ માતાએ બધા વિદ્યાર્થીઓના સાંભળતાં જે ગંદી ગાળ બોલી, એથી વિદ્યાર્થીઓમાં સોપો પડી ગયો અને બધાને શરમ આવી ! આ માતાને કઈ કક્ષાની ગણવી? આવા વાલીઓ અને અતિ તોફાની બાળકો પર અમે શિક્ષકો કશું જ કરી શકતા નથી, એ અમારી મજબૂરી/લાચારી છે. આજે શિક્ષક સમાજને બહુ જ સસ્તો બનાવી દીધો છે. ગાળો, ધમકી, અપમાનો, પક્ષપાત બધુ સહન કરી; જેને ભણવું જ નથી એવાય બાળકો સાથે રોજ શિક્ષકોએ મગજનું દહીં કરવાનું છે. સ્થાનિક પરિસ્થિતિ, જે તે બાળકના ઘરનું વાતાવરણ, માહોલ, બાળકના રસરુચિ કે અભ્યાસ તરફનો લગાવ કે એમની શીખવાની ક્ષમતા કશું જ જોયા સમજયા વિના જલ્દી જલ્દી શિક્ષણના સ્તર/ગુણવત્તામાં સુધારો બધાને જોઈએ છે ! અમુક વાલીઓ એમના આવા તેજસ્વી/હોનહાર સંતાનોનો પક્ષ લઈ શિક્ષકોને નાની નાની વાતમાં, ધમકી/ગાળાગાળી કરવા શાળાએ આવી જાય છે.”

માબાપ તો પોતાના બાળકોને કેળવી શકતા નથી; શિક્ષકો મહેનત કરે તો માબાપને ગમતું નથી.  કન્ફ્યુઝડ માબાપ  કન્ફ્યુઝડ બાળક પેદા કરે છે ! આ માતા ગાળો દઈને પોતાના બાળકનું ક્યા પ્રકારનું ઘડતર કરવા માંગતી હશે? બાળઘડતરનું કામ બહુ અઘરું છે. તેમાં બાળમાનસ વાંચતા આવડવું જોઈએ અને બાળમનોવિજ્ઞાનની સમજણ હોવી જરુરી છે. આ કામ શિક્ષકોને કરવા દો; નહીતર બાળકો મોટા થઈને જેલમાં જશે.