રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): 29 ફેબ્રુઆરી, 2020 ના રોજ સુરત ખાતે અમારા સંબંધી કાળુભાઈ બેલડીયા દ્વારા આયોજિત ’સંત મેળાવડા’ માં મેં વ્યક્તવ્ય આપ્યું ત્યારે 1500 થી વધુ શ્રોતાઓ મને ધ્યાન દઈને સાંભળી રહ્યા હતા. સંત મેળાવડામાં રેશનલ વાત પચશે નહીં; એવું મેં કાળુભાઈના પુત્ર ધર્મેશને કહ્યું હતું; ત્યારે તેમનો આગ્રહ હતો કે ફેસબૂક ઉપર તમારી દરેક પોસ્ટ અમે વાંચીએ છીએ; એટલે જે કહેવું હોય તે કહેવાની છૂટ છે ! બસ, મેં મોકો ઝડપી લીધો. સામાન્ય રીતે ધાર્મિક પ્રસંગોમાં ખાઈ પીને છૂટા પડી જાય છે. વૈજ્ઞાનિક મિજાજની વાત કોઈ કરતું નથી. મેં કહ્યું : આપણે ખૂબ ધાર્મિક છીએ છતાં દુ:ખી કેમ છીએ? આટલી કથાઓ થાય છે; આટલા સ્વામિઓ, આટલા પ્રગટ બ્રહ્મસ્વરૂપો છે;

છતાં અનૈતિકતા ઘટતી કેમ નથી? છેતરપિંડી ઘટતી કેમ નથી? ધરેલું ઝઘડા કેમ ઓછા થતાં નથી? એક નાના ગામડામાં 7-8 મંદિરો હોય છે; શહેરોમાં ખૂણે ખૂણે, ફૂટપાથ ઉપર અને રોડ વચ્ચે મંદિરો છે; છતાં મર્ડર / બળાત્કાર કેમ થાય છે? મંદિરોની અસર કેમ થતી નથી? વ્રત / ઉપવાસ / પૂજાપાઠ / કર્મકાંડ / દાન કરીએ છીએ છતાં બાળકો અવળે રસ્તે કેમ ચડી જાય છે? બાળકો નાપાસ કેમ થાય છે? ઘેરથી કેમ ભાગી જાય છે? માતાજી કેમ મદદ કરતા નથી? ગાયને માતા માનીએ છીએ; કીડીને કીડિયારું પૂરીએ છીએ; તો મા-બાપની સેવા કરવામાં કેમ વાંધો આવે છે? બે દિકરા વચ્ચે મા-બાપ કેમ હડસેલાં ખાય છે? આપણે માતાજીને નમીએ છીએ; માતાજીની પૂજા કરીએ છીએ; તો મહિલાઓ / દીકરીઓ પ્રત્યે ભેદભાવ કેમ કરીએ છીએ? છોકરીઓ ઘેરથી ભાગી જાય છે; એને કથાકીર્તન / ટીલાંટપકાં કેમ અટકાવી શકતા નથી? ગુરુઓ / કથાકારોની અસર કેમ થતી નથી? અન્યાય કેમ થાય છે? તેના બે કારણો છે: 1. ધાર્મિક અંધશ્રદ્ધા. 2. રાજકીય અંધશ્રદ્ધા. આપણામાં અંધશ્રદ્ધા ઘૂસી ગઈ છે.

જ્યોતિષીની દીકરી ભાગી જાય ત્યારે તે પોલીસની મદદ માંગે છે; અને આપણે જ્યોતિષી કે ભૂવા પાસે જઈએ છીએ ! ભોજા ભગતે [1795-1850] કહ્યું હતું : “ભરમાવી દુનિયા ભોળી રે, બાવો ચાલ્યો ભભૂતિ ચોળી રે ! માઇ માઇ કરીને બાવો બોલાવે, હૈયે કામનાની હોળી રે ! સઘળાં શિષ્યને ભેળાં કરી ખાય, ખીર ખાંડ ને પોળી રે ! ભોજો ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળી રે !”

આપણી માન્યતાઓ / અંધશ્રદ્ધાઓ વિચિત્ર છે: ડુંગળી / લસણ ન ખવાય; બીજાના ઘરનું પાણી ન પીવાય; અમારો સંપ્રદાય / ધર્મ ઊંચો; પૂજાપાઠ કરે તે છોકરા જ સંસ્કારી થાય; માનતા માનવાથી / વ્રત કરવાથી માતાજી રાજી થાય; કથા કરવાથી પાપ નાશ પામે / પિતૃના આત્માને મોક્ષ મળે; પ્રાર્થના / પૂજા કરવાથી રોગ દૂર થઈ જાય; ચમત્કાર થાય ! આવી માન્યતાઓને કારણે આપણી સમસ્યાઓ દૂર થવાને બદલે વધે છે. અંધશ્રદ્ધા પ્રદૂષણ ફેલાવે છે; કથાઓ / યજ્ઞો / ગણેશ વિસર્જન / લીલી પરિક્રમા! અંધશ્રદ્ધા વસતિ વિસ્ફોટ કરે છે; પુત્ર હોય તો મોક્ષ મળે ! ભાઈ હોય તેવી છોકરી સાથે જ લગ્ન કરાય! વધુ વસતિ માટે વધુ વીજળી જોઈએ. વધુ પાણી જોઈએ. બિગ ડેમ જોઈએ.

વધુ વીજળી માટે જંગલનો નાશ થઈ જાય; તેથી નકસલવાદ ઊભો થાય ! અંધશ્રદ્ધા દ્રષ્ટિહીન બનાવે છે. શિક્ષણ કરતા કુંભમેળા મહત્વના લાગે છે. ઘરમાં કથા કરશે; પણ એક સારું પુસ્તક નહીં લાવે ! મીડિયા / ચેનલો અંધશ્રદ્ધાનું પ્રદૂષણ ફેલાવે છે. ધર્મગુરુઓ / સ્વામિઓ અંધશ્રદ્ધાના પિતા છે; પ્રચારકો છે. અંધશ્રદ્ધા ઉપયોગી વસ્તુને બિનઉપયોગી બનાવે છે ! શ્રીફળ / ઘી / દૂધ મૂર્તિ ઉપર ચડાવીએ છીએ ! અંધશ્રદ્ધા હત્યા કરાવે છે; ઘુવડ / મોરના પીંછા / ગેંડાના શીંગડા માટે. અંધશ્રદ્ધા માણસને ઘેટાં બનાવે છે ! ગુરુઓ પોતાનો વાડો મોટો કરે છે ! ધર્મગુરુઓ માણસને ઘેટાં બનાવે છે અને શોષણ કરે છે. આપણે અતિ ધાર્મિક છીએ પણ નૈતિક બિલકુલ નથી; પોલીસ સ્ટેશનમાં માતાજીના ફોટાઓ હોય છે; તેમની સામે જ ધર્મનું-ફરજનું આચરણ થતું નથી ! રુપિયા રુપિયા બોલવાથી ધનિક થવાતું નથી. સાકર સાકર બોલવાથી મોંઢું ગળ્યું થતું નથી. એમ રામ રામ બોલવાથી મોક્ષ ન મળે ! કામ કરવું પડે. મોક્ષ / સ્વર્ગ / ગૌલોક જે કહો તે આકાશમાં નથી. આ જગતમાં જ છે ! સ્વર્ગ ધરતી પર જ છે ! ‘આકાશી મોક્ષ’ની / પરલોકની ચિંતા કરવાને બદલે, આ લોકની ચિંતા કરો.

આપણી સમસ્યાઓ પાછળ અંધશ્રદ્ધા જવાબદાર છે ! આપણને થતાં રાજકીય / સામાજિક / આર્થિક અન્યાયો પાછળ અંધશ્રદ્ધા જવાબદાર છે ! ધાર્મિક અંધશ્રદ્ધા કરતાં, રાજકીય અંધશ્રદ્ધા વધુ ખતરનાક છે ! દેશપ્રેમ / મંદિરની કોઈ વાત કરે એટલે જેલમાં ગયેલો નેતા પવિત્ર થઈ જાય છે ! તમારી ધાર્મિક લાગણીઓને કોઈ પંપાળે એટલે  તેને મત આપી દેવાનો ? તમારા બાળક માટે મોંઘી શિક્ષણ ફી કેમ ભરો છો? શિક્ષણ /સુરક્ષા / આરોગ્ય સેવા આપવી તે સરકારનું  મૂળભૂત કામ છે. જો શિક્ષણ / સુરક્ષા / આરોગ્ય સેવા અપાવી શકતા ન હોય; તો એવા કોર્પોરેટર / ધારાસભ્યને સોસાયટીમાં ઘૂસવા કેમ દો છો? એવા નેતાને હારતોરા કેમ કરો છો? એવા નેતાઓને સામાજિક ફંકશનોમાં સ્ટેજ ઉપર કેમ બેસાડો છો? શિક્ષણમંત્રી ભૂવાઓનું સન્માન કરે ત્યારે તાળિઓ કેમ પાડો છો? જૂઠ્ઠું બોલનારા અને ભડકાઉ ભાષણો આપનારાઓને દેશભક્ત કેમ કહો છો? ધાર્મિક અંધશ્રદ્ધા અને રાજકીય અંધશ્રદ્ધાનો ઉપાય શું ? શિક્ષણ ! હનુમાનજીના મંદિરે તેલનો આખો ડબ્બો ચડાવી દઈએ તોપણ પરિક્ષામાં પાસ ન થવાય. વાંચવું પડે. મહેનત કરવી પડે. જ્ઞાન આંખો ખોલી નાખે છે. વિદ્યા જ મુક્તિ અપાવી શકે; અંધશ્રદ્ધા બાંધી રાખે છે; પ્રગતિ અટકાવે છે. ધાર્મિક શિક્ષણ નહી; માનવવાદી / રેશનલ શિક્ષણ મેળવો; જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય ! ગાયને પવિત્ર માનો પણ માણસને અપવિત્ર ન માનો. ઘરમાં પૂજારુમ બનાવો તે પહેલા રેશનલ પુસ્તકો વસાવો. જૂના કપડાં પહેરો પણ નવું પુસ્તક ખરીદો.

એક પુસ્તક, એક પેન, એક બાળક, એક શિક્ષક દુનિયા બદલી શકે છે. કર્મકાંડ પાછળ નહી; બાળકો પાછળ ખર્ચ કરો; એ સૌથી વધુ રિટર્ન્સ આપશે ! ચમત્કાર કોઈ ઈશ્વર / માતાજી / ધર્મગુરુ કરી શકે નહીં; માત્ર શિક્ષણ જ ચમત્કાર કરી શકે ! મહારાષ્ટ્રના સંત ગાગડેજીએ ચોટદાર વાત કરી છે : “થાળી વેચી દેવી પડે, તો એ વેચીને ભણો. હાથમાં રોટલી લઈને ખાઈ શકાશે; પણ શિક્ષણ વિના ઉધ્ધાર નથી .