રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): મિત્રએ ઠપકો આપ્યો: “તમે હિન્દુ ધર્મની ટીકા કેમ કરો છો? આપણે તો ગૌરવ લેવું જોઈએ કે ભારતભૂમિમાં 24 જેટલા ભગવાનોએ અવતાર લીધો છે ! બીજી કોઈ જગ્યાએ આટલાં ભગવાનોએ કેમ જન્મ લીધો નહીં? આપણી ભૂમિ પવિત્ર છે !”

મેં કહ્યું : “ભારતભૂમિમાં આટલા બધા પાપીઓનો, રાક્ષસોનો નાશ કરવા ભગવાનોએ જન્મ લીધો હતોને? કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે : ‘જ્યારે જ્યારે ભારતભૂમિમાં અધર્મ વધી જશે; ત્યારે ત્યારે હું ધર્મની સ્થાપના કરવા અને અધર્મનો નાશ કરવા અવતાર લઈશ !’ આનો અર્થ એ થયો કે આપણા દેશમાં સૌથી વધારે અધર્મ, અત્યાચાર, પાપાચાર વધ્યા હશે; તો જ આટલા અવતારો પ્રભુએ લેવા પડ્યા હશેને? આમાં ગૌરવની વાત નથી; પણ શરમની વાત છે !”

મિત્ર આક્રમક બન્યો : “હિન્દુ થઈને આવું બોલો છો? તમારી જેવાને કારણે જ સોમનાથનું મંદિર લૂંટાયું હતું !”

મેં કહ્યું : “જૂઓ, પરિસ્થિતિ વણસે ત્યારે જ પ્રભુ અવતાર ધારણ કરે તે કેટલું ઉચિત? લોકશાહીને કંપનીશાહીમાં તબદીલ કરનાર નેતાઓના અને પાટલી બદલુંઓના હ્રદય કેમ બંધ કરી દેતો નથી? બેન્કોના ઉઠામણા કરનારાઓને પેરેલિસિસ કેમ થઈ જતો નથી? પહેલા બેરોજગારી, ગરીબી, કુપોષણ દૂર કરવાની જરુર છે કે રામમંદિરની જરુર છે? સોમનાથના મંદિર ઉપર મહંમદ ગઝનીએ 16 વખત આક્રમણ કર્યું ત્યારે પ્રભુ ક્યાં હતા? મંદિરના ચાંદીના દરવાજા, સોનાની મૂર્તિઓ, હિરામોતીના આભૂષણો, ઝૂમ્મર, ઘંટ લટકાવવાની 160 કિલો સોનાની સાંકળ વગેરેની તેણે લૂંટ કરી. હજારો લોકોની કતલ કરી. તે સમયે પ્રભુએ, ભક્તોનું, મંદિરનું રક્ષણ કેમ ન કર્યું ? એ સમયે ગઝનીને હાર્ટએટેક કેમ ન આવ્યો? પ્રભુ પોતે પોતાના ઘરનું રક્ષણ નથી કરી શકતા ! આમાં ગૌરવ લેવા જેવું શું છે? તમે જ કહો; આવા પ્રભુઓની કથાઓ કરનારા કોર્પોરેટ કથાકારોની ચરણરજ લેવાનો કોઈ અર્થ ખરો?”

મિત્રએ પ્રચલિત ચૂકાદો આપ્યો : ‘તમારી જેવાને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ’rs