રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ) : સરકારી કર્મચારી નિષ્ઠાવાન/પ્રામાણિક છે; એનો માપદંડ ક્યો હોઈ શકે? શું આવી ખરાઈ થઈ શકે? બિલકુલ થઈ શકે. મોટાભાગના સરકારી અધિકારીઓને પનિશમેન્ટ પોસ્ટિંગ આપવામાં આવે ત્યારે નિષ્ક્રિય થઈ જતા હોય છે. ગાંધીનગર બાજુ મોઢું રાખીને બેસી રહે છે; ક્યારે પોતાનું પોસ્ટિંગ એક્ઝિક્યુટિવ જગ્યાએ થશે, એની ચિંતા કર્યા કરે છે. પરંતુ જે અધિકારીઓ નોન-એક્ઝિક્યુટિવ જગ્યાએ જઈ ધગશપૂર્વક કામ કરે છે; તે નિષ્ઠાવાન છે, પ્રામાણિક છે. મામલતદાર ચિંતન વૈશ્નવની બદલી મહેસાણાથી પાલનપુર ડિઝાસ્ટર મામલતદાર તરીકે થઈ. આ સાઈડ પોસ્ટિંગ હતું. બન્યું એવું કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની પાલનપુર અને પાટણની બ્રાન્ચમાં NPA-નોન પરફોર્મિંગ એસેટનું પ્રમાણ વધી ગયું હતું; બેન્ક દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત થતાં ચિંતન વૈશ્નવની વસૂલાત અધિકારી તરીકે નિમણૂક થઈ. તેઓ લખે છે : “બેંકમાં વસૂલાત અધિકારીએ શું કામગીરી કરવી તેની કોઈ ગાઈડલાઈન નહતી. મેં ધાર્યું હોત તો બીજા અધિકારીઓની જેમ સરકારમાંથી માર્ગદર્શન મેળવવા પત્ર લખીને; બેંકના ખર્ચે માત્ર સમય પસાર કરત. પરંતુ મેં યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી. લેન્ડ રેવન્યૂ કોડની જોગવાઈઓનો અભ્યાસ કરી ત્રણ પ્રકારની નોટિસો તૈયાર કરી. આ નોટિસો કઈ રીતે બજાવવી તેની બેન્કની વિવિધ શાખાઓના મેનેજરોને તાલીમ આપી. એક મહિનામાં એક કરોડની વસૂલાત કરવાનો નિર્ધાર કર્યો; પણ એક મહિનામાં પોણા ત્રણ કરોડ રૂપિયાની વસૂલાત કરી બતાવી !”

નવ મહિના બાદ તેમની બદલી સુબીર-ડાંગ મામલતદાર તરીકે થઈ. કુલ જમીનના 92% થી વધુ જંગલ વિસ્તાર હતો. સુબીરમાં પ્રાથમિક શાળા તથા મામલતદાર કચેરી એમ બે મકાન સિવાય કોઈ પાકું મકાન ન હતું; મોબાઈલનું કવરેજ મળે નહીં. પાણી કે ફોનની સુવિધા નહીં.  એટલે તેમણે આહવા 1 BHKના મકાનમાં રહેવાનું રાખ્યું. જેમાં પત્ની/દિકરી/માતા/પિતા અને દાદી રહેતા હતા. ઘણી જ અગવડતાઓ વચ્ચે લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરુ કરી. મતદાર જાગૃતિ રેલી યોજી. સૌથી વધુ મતદાન ડાંગમાં થયેલું ! શ્રેષ્ઠ રીતે ઈલેક્શન મેનેજમેન્ટ કરી બતાવ્યું. તેઓ લખે છે : “ અમારા ટીમ લીડર હતા નાયબ કલેક્ટર. શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકેની દરખાસ્ત ચૂંટણી કમિશનને અમે મોકલી. એવોર્ડ મેળવવા શ્રેષ્ઠ કામગીરી નહીં, પણ સારા સંબંધો કામમાં આવતા હોય છે, એવું જાણવા મળ્યું. અમે તો લોકોના, સરકારના અને ઈલેક્શન કમિશનના કામ કરવામાં પડ્યા હતા. સંબંધો બાંધવાનો સમય જ ક્યાં હતો !”

છ મહિના બાદ તેમની બદલી મામલતદાર માળિયામિયાણા ખાતે થઈ. મામલતદાર ઓફિસની સામે ઈદગાહ મસ્જિદ હતી, અને મોટી સરકારી પડતર જમીન હતી. જેમાં કચ્છ ગાંધીધામના મીઠાના મોટા વેપારીઓએ મોટામોટા પહાડ જેવા ગંજ ખડકેલા. જેમ જેમ ઓર્ડર મળે તેમ તેમ અહીંથી ટ્રક ભરીને મીઠું લઈ જવામાં આવતું. ચોમાસામાં વરસાદનું પાણી મીઠાની આ ટેકરીઓ ઉપર પડતું. ખારું પાણી આજુબાજુના ખેતરમાં જતું, જેથી પાકને/જમીનને નુકશાન થતું. આની સામે 2008 માં હાઈકોર્ટમાં પીટિશન કરી મનાઈહુકમ મેળવેલ. હાઈકોર્ટે કલેકટર/મામલતદારને મીઠાના ઢગલા ન થાય તે માટે સતત મોનિટરિંગ કરવા સૂચના કરેલ. છતાં દર વર્ષે મીઠાના ઢગલાઓ થતાં ! મીઠાના વેપારીઓનું નાક દબાવવા એક અરજી માસ્ટરે મામલતદાર સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરી. મીઠાના ઢગલાઓ દૂર કરવા હાઈકોર્ટે સાત દિવસનો સમય આપ્યો.

ચિંતન વૈશ્નવ લખે છે : “મારા પર રાજકીય દબાણ શરુ થયું. વેપારીઓને મુશ્કેલીઓ ન પડે તેવી સૂચનાઓ નેતાઓ આપવા લાગ્યા. દર અઠવાડિયે હાઈકોર્ટના ધક્કા મને પોસાય તેમ નહતા. એટલે એક દિવસ નગરપાલિકાના JCB/લોડર/ટ્રક વગેરે લઈ જઈને મીઠાના ઢગલા/મજૂરોના કાચા મકાનો/ગેરેજ/ટ્રકોનો વોશિંગ એરીઆ/વે બ્રિજ વગેરેનું ડીમોલિશન કરી નાખ્યું. લોકોને ઉશ્કેરવા એવી અફવા ફેલાવી કે મામલતદાર હવે મસ્જિદનું ડીમોલિશન કરવાના છે ! ઊહાપોહ મચી ગયો. ગામ સજ્જડ બંધ રાખવા અને મામલતદારનો વારો પાડી દેવાનું લોકોએ નક્કી કર્યું. નાયબ મામલતદારે મારું ધ્યાન દોર્યું કે ‘આ લોકોને જેમ દોરવા હોય તેમ દોરવાઈ જાય તેવા સરળ માણસો છે. મસ્જિદ તોડી નાખશે, એમ કહીને ઉશ્કેર્યા છે. આપણે એમના ગુરુ-બાપૂને મળીએ અને કહીએ કે મસ્જિદ તોડવાની વાત ખોટી છે.’ હું તરત જ બાઈક ઉપર બાપૂના ઘેર ગયો. બાપૂના ગળે ઉતાર્યું કે મસ્જિદ તોડવાની નથી. બાપૂએ સૂચના આપતા શાંતિ જળવાઈ રહી. હું નેતાઓને કઠવા લાગ્યો. સાબુની એક ફેક્ટરી દ્વારા હવા/પાણીનું પ્રદૂષણ પુષ્કળ પ્રમાણમાં ફેલાતું હતું. દરિયાના જળચર પ્રાણીઓને નુકશાન થતું હતું. મેં ફેક્ટરી સીલ કરવા પ્રયત્નો કર્યા પણ મને મારા ઉપરી અધિકારીઓ તરફથી કોઈ સહકાર ન મળ્યો. મારી વિરુધ્ધ એક જ તારીખ લખેલી દસ અરજીઓ કલેક્ટરને સમક્ષ થઈ ! તેમાં ધારાસભ્ય/તાલુકા પંચાયત પ્રમુખ વગેરેનો સમાવેશ થતો હતો. આ અરજીઓમાં મેં ખૂબ મોટા પૈસા માગ્યા અને સ્વીકાર્યાના આક્ષેપો હતા. કઈ તારીખે/કઈ જગ્યાએ પૈસા સ્વીકાર્યા તે પણ લખ્યું હતું ! કલેક્ટરે તાત્કાલિક તપાસ કરવા અને બે દિવસમાં અહેવાલ પાઠવવા નાયબ કલેક્ટરને સૂચના કરી. નાયબ કલેકટરે ગોળ ગોળ અહેવાલ બે દિવસમાં આપી દીધો. કલેક્ટરે મારી બદલી કરવા સરકારમાં લખી દીધું. બે દિવસ બાદ મારી બદલી ફરી ડાંગ જિલ્લામાં કરવામાં આવી. ટૂંકા સમય ગાળામાં બે વખત ડાંગમાં બદલી થઈ હોય; તેવો આ પ્રથમ કિસ્સો હતો ! લોકલ ધારાસભ્ય/નેતા ધારે તે જગ્યાએ અધિકારીની બદલી સરળતાથી કરાવી શકે તો શું આપણે ‘રુલ ઓફ લો’/લોકશાહીમાં જીવી રહ્યા છીએ?”rs

(લેખક નિવૃત્ત આઇપીએસ અધિકારી છે)