રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ):  અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ  24 ફેબ્રુઆરી, 2020 ના રોજ અમદાવાદ પધારી રહ્યા છે. એરપોર્ટથી બહાર નીકળતા, રસ્તામાં ગરીબ લોકો દેખાય ન જાય તે માટે સરાણિયા વાસના ગરીબ લોકો અને તેમના ઝૂંપડા નજરે ન પડે તે માટે મુખ્ય રોડની બાજુમાં 7 ફૂટ ઊંચી 700 મીટર લાંબી દિવાલ મ્યુનિસિપલ કોર્પોરેશને ચણી દીધી ! વિદેશી મહેમાનનું સ્વાગત જોરદાર થાય તેની સામે વાંધો નથી; પરંતુ આ કેવો વિકાસ છે, જેને દિવાલ પાછળ સંતાડવો પડે છે? આ પ્રશ્ન દરેક ગુજરાતીને/NRIને થવો જોઈએ.

કેમ કોઈ પૂછતું નથી કે આટઆટલી વાઈબ્રન્ટ સમિટ કરવા છતાં વિકાસને ઢાંકવો પડે છે? રોકાણના આકાશી આંકડાઓએ કેમ ગુજરાતની કાયાપલટ ન કરી? આટઆટલા ગરીબ કલ્યાણમેળાઓ કરવા છતાં વિકાસને સંતાડવો પડે છે? મોટામોટા આંકડાઓ લોકોની આંખોમાં ધૂળ નાંખવા જ જાહેર કરતા હતા? આ કેવું સુશાશન કે જ્યાં વિકાસને દિવાલ પાછળ છૂપાવવો પડે છે?

વિકાસ ક્યાં છે? કેમ દેખાતો નથી? કેમ મોટામોટા બિલ્ડરો 500 કરોડના દેવામાં ડૂબીને આત્મહત્યા કરી રહ્યા છે? શામાટે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે? શામાટે મધ્યમવર્ગના પરિવારો સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે? શામાટે ફૂટપાથો ઉપર ગરીબો ઊભરાઈ રહ્યા છે? શામાટે બાળકો કુપોષિત છે? શામાટે બેરોજગારી વધી રહી છે? શામાટે અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ થતો જાય છે? આયોજનપંચ/નીતિ આયોગ કોનો વિકાસ કરે છે? વિકાસ કેમ ગરીબ સુધી પહોંચતો નથી? વિકાસ કેમ પર્કોલેટ થતો નથી? સુધીગોદી મીડિયા/ ગોદી લેખકો/ ગોદી કોલમઘસુઓ આ પ્રશ્નો નહી પૂછે; લોકોએ જ પ્રશ્નો પૂછવા પડશે ! લોક આંદોલન / લોક ચળવળની તાતી જરુરિયાત છે; જો આ નહીં થાય તો, હંમેશા વિકાસને દિવાલ પાછળ સંતાડવો જ પડશે !