રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): “સરકારી નોકરી મેળવવા માટે જે મહેનત કરવી પડે છે; જે શ્રમ પડે છે, માનસિક તકલીફો વેઠવી પડે છે, એનાથી દસ ગણી વધારે મુશ્કેલીઓ; જો તમે સંવેદનશીલ હો તો સરકારી નોકરી મળી ગયા પછી ભોગવવી પડતી હોય છે ! છેલ્લા 20 વર્ષોમાં સરમુખત્યારશાહી જેવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. સરકારી નોકર/જાહેર સેવક એ ‘સરકારી ગુલામ’ બન્યો છે. 11.00 થી 6:10 નોકરી કરો અને બાકી આપણું કરી લ્યો; એવું વિચારીને નોકરિયાતો સમય કાઢી રહ્યા છે !” આ શબ્દો છે  ચિંતન વૈશ્નવના; જેમણે 2011 થી 2019 સુધી બાબરા/ ખંભાળિયા / સુબીર-ડાંગ /માળિયામિયાણા/ મહેસાણા/ હળવદ વગેરે જગ્યાએ નવ વર્ષ સુધી મામલતદાર તરીકે ફરજ બજાવી છે. તેમણે એક નાનકડું પુસ્તક લખ્યું છે; નામ છે ‘તેજોવધ’. તેમાં સંવેદનશીલ મામલતદાર અને સંવેદનબધિર તંત્રની વાત છે.

તેઓ લખે છે : “હળવદના રાયસંગપર ગામમાં વર્ષોથી રેતીચોરી બેફામ થતી. સરપંચને રેતીચોરો હપ્તો આપતા. અમે વાહનો ડીટેઈન કરાવી મોટા દંડ કરાવ્યા. રેતીચોરી બંધ થઈ ગઈ. સરપંચ અકળાઈ ગયા. તેમણે CM ના ‘સ્વાગત’ ઓન લાઈન કાર્યક્રમમાં ફરિયાદ કરી : ‘જ્યારથી ચિંતન વૈશ્ર્નવ હળવદ મામલતદાર તરીકે મૂકાયા છે ત્યારથી અમારા ગામમાં રેતીચોરી બેફામ વધી ગઈ છે; તેઓ હપ્તા લે છે; ટ્રેકટર/ટેમ્પો પકડતા નથી !’ સરપંચને જવાબ મળ્યો કે હળવદ મામલતદારે 90 થી વધુ મોટી ગાડીઓ પકડી છે અને 50 લાખ કરતા વધુ રકમ દંડસ્વરુપે સરકારમાં જમા કરાવી છે ! સરપંચ ભોંઠા પડ્યા. મારા પર નજર રાખવા 8 થી 10 પગારદારી માણસો રેતીચોરોએ રાખ્યા હતા.મજૂરનો વેશ ધારણ કરીને રેતીચોરી પકડી. નાયબસચિવે મને કહ્યું કે ‘ફિલ્મી ઢબે કામગીરી ન કરો.’ આ કેવું? સારું કામ કરીએ; દુશ્મનો ઊભા થઈ જાય ! મધ્યાહન ભોજનના બે કેન્દ્રો માટે ભરતી હતી. કુલ 18 અરજદારો હતા. હારેલા ધારાસભ્યએ બે નામની ભલામણ કરી. બન્ને નામોવાળા બહેનોના પતિ નોકરી કરતા હતા; જમીનો ધરાવતા હતા. જ્યારે બીજા ઉમેદવારોમાં બે વિધવા બહેનો હતી તેમને સંચાલક તરીકે પસંદ કરી.ધારાસભ્યને આ ન ગમ્યું. હળવદ-મોરબી હાઈવે પર રોડથી નજીક એક હોટલનું દબાણ દૂર કરવા ઉપરી અધિકારીએ સૂચના આપી. હોટલ ગામના ઉપસરપંચની હતી. અમો JCB લઈને પહોંચ્યા કે તરત ધારાસભ્ય હોટલની આડા ઊભા રહી ગયા. વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી પોતાની વોટબેંક મજબૂત કરવાની તેમણે તક ઝડપી લીધી. મેં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરુ કરાવી. થોડીવારમાં ઉપરી અધિકારીએ દબાણ દૂર કરવાની કાર્યવાહી સ્થગિત કરવાની સૂચના આપી ! મને એ ખ્યાલ ન હતો કે પાંચ મહિનામાં, હારેલા ધારાસભ્યના કહેવાથી મારી બદલી થઈ જશે !”

હળવદથી તેમની બદલી મહેસાણા મામલતદાર તરીકે થઈ. એક દિવસ અગાઉથી ઓળખાણ આપ્યા વગર, સ્થાનિક રેસ્ટોરન્ટ ‘સંકલ્પ’માં જમવા ગયા. 12 રુપિયાની પાણીની બોટલના 35 રુપિયા લીધા. તપાસ કરી તો સંકલ્પ પાસે લાયસન્સ ન હતું. નગરપાલિકાનો 10 લાખનો ટેક્સ બાકી હતો. બાળમજૂરો હતા. રેસ્ટોરન્ટની જમીન બિનખેતી કરાવેલ ન હતી. જેથી તોલમાપ ખાતું/નગરપાલિકા/ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સંકલ્પ ઉપર રેઈડ કરી; અને રેસ્ટોરન્ટ બંધ રાખવા હુકમ કરેલ. ગાંધીનગરથી રેસ્ટોરન્ટ ચાલુ કરાવવા દબાણ શરુ થયું. ચિંતન વૈશ્નવ લખે છે : “ ચાર-પાંચ મોટા ગજાના નેતાઓએ ભલામણ કરવાનું શરુ કર્યું. મેં કલેક્ટરને અપીલ કરવા જણાવ્યું. મને એક મિનિસ્ટરે સતત ચાર દિવસ સુધી અશોભનીય ભાષામાં રેસ્ટોરન્ટ ચાલુ કરાવવા સૂચનાઓ આપી. ચોથા દિવસે હું ખૂબ કામમાં હતો ત્યારે મિનિસ્ટર સાહેબનો ફોન આવ્યો. મારાથી કહેવાઈ ગયું કે ‘હવે આ બાબતે મને ફોન કરશો નહીં !’ એમને ખોટું લાગી ગયું. પ્રાંત અધિકારીએ પોતાની સમક્ષ રેસ્ટોરન્ટના માલિક પાસે અપીલ દાખલ કરાવી; મને મુદતે હાજર ન રાખીને; નિયમો નેવે મૂકીને, એક તરફી હુકમ કરી રેસ્ટોરન્ટ ચાલુ કરવા હુકમ કરી દીધો ! ઉપરી અધિકારીઓએ પોતાની ખુરશી બચાવવા મારો ભોગ લેવા દીધો; એનું દુ:ખ છે. મહેસાણામાં સાડા છ કરોડની ખનીજચોરી પકડી. રાત્રિના ત્રણ વાગ્યે નદીના પટમાંથી હિટાચી/JCB વગેરે પકડી પાડેલા. ખનીજચોરી કરનારને મામલતદાર પકડી શકે છે, એ વાતથી મહેસાણામાં બધા જ અજાણ હતા ! મતલબ કે આટલા વર્ષોમાં કોઈ અધિકારીએ આ કામગીરી કરેલી નહતી. પેલા મિનિસ્ટર સાહેબે મારી બદલી નોન એક્ઝિક્યુટિવ જગ્યાએ; પાલનપુર ખાતે ડિઝાસ્ટર મામલતદાર તરીકે કરાવી નાખી. દુશ્મન બનાવવા માટે કોઈને ગાળો આપવાની જરુર નથી; તલવાર લઈને મારવાની જરુર નથી; સારું કામ કરો; દુશ્મનો ઊભા થઈ જશે !”rs

(લેખક નિવૃત્ત આઇપીએસ અધિકારી છે)