મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બળાત્કાર અને હત્યા કેસમાં ઉંમર કેદની સજા કાપી રહેલો ડેરા સચ્ચા સૌદાનો પ્રમુખ ગુરમીત રામ રહીમને થોડા દિવસો અગાઉ એક દિવસ પહેલા પેરોલ મળી હતી. નવભારત ટાઈમ્સના રિપોર્ટ અનુસાર હરિયાણામાં સીએમ મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વની ભાજપ-જેજેપી ગઠબંધન સરકારે ગત 24 ઓક્ટોબરે રામ રહીમને પેરોલ અપાવી હતી. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એવું કહેવાય છે કે રામ રહીમને ખાસ સુરક્ષા સાથે રોહતક જેલથી ગુરુગ્રામ લાવવામાં આવ્યો હતો પરંતુ સુરક્ષામાં લાગેલા જવાનોને પણ તેનો અણસાર સુદ્ધા આવ્યો ન્હોતો. ફક્ત સીએમ અને કેટલાક અધિકારીઓ જ આ વાતની જાણકારી ધરાવતા હતા.

બળાત્કાર અને હત્યા કેસમાં દોષિત ઠેરવ્યા બાદ ડેરા રોહતક જેલમાં છે. સૂત્રોએ જણાવ્યું છે કે રામ રહીમને તેની બીમાર માતાને મળવા માટે એક દિવસની પેરોલ મળી હતી. તે ગુરુગ્રામની એક હોસ્પિટલમાં દાખલ છે. ભારે સુરક્ષા વચ્ચે ડેરા વડાને રોહતકની સુનારીયા જેલથી ગુરુગ્રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


 

 

 

 

 

રિપોર્ટ અનુસાર, રામ રહીમ તેની બીમારીની માતા સાથે 24 ઓક્ટોબરની સાંજ સુધી રોકાયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે હરિયાણા પોલીસની ત્રણ ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. એક યુનિટમાં 80 થી 100 સૈનિકો હતા. ડેરાના વડાને જેલથી પોલીસની ગાડીમાં કર્ટેન્સ લગાવેલા લાવવામાં આવ્યા હતા. ગુરુગ્રામમાં પોલીસે કારને હોસ્પિટલના ભોંયરામાં પાર્ક કરી હતી અને તેની માતાની સારવાર ચાલી રહેલા ફ્લોરને સંપૂર્ણપણે ખાલી કરાવી હતી.

રોહતક એસપી રાહુલ શર્માએ પૃષ્ટી આપતા કહ્યું, અમને જેલ સુપ્રિટેન્ડેન્ટ સાથે રામ રહીમને ગુરુગ્રામ પ્રવાસના દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું નિવેદન મળ્યું હતું. અમે 24 ઓક્ટોબરે સવારથી લઈને સાંજ સુધી સુરક્ષા આપી હતી. બધું જ શાંતિપૂર્વક થયું હતું.

આપને જણાવી દઈએ કે પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસ મામલામાં સીબીઆઈની વિશેષ અદાલતે ગત વર્ષે જાન્યુઆરીમાં ગુરમીત રામ રહીમને ઉંમર કેદ સંભળાવી હતી. 16 વર્ષ જુના આ કેસમાં કોર્ટે રામ રહીમ સાથે ત્રણ અન્ય દોષિતો કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષ્ણ લાલને પણ ઉંમર કેદ આપી હતી. વર્ષ 2002માં પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. છત્રપતિ પોતાના સમાચાર પત્રમાં ડેરા સાથે જોડાયેલી માહિતીઓ પ્રકાશિત કરતા હતા. પત્રકાર છત્રપતિની હત્યા પછી પરિજનોએ આ કેસ દાખલ કરાવ્યો હતો.