મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ કથાકાર મોરારી બાપુ વિવિધ મુદ્દા પર ઘણીવાર વિવાદે ચઢી ચુક્યા છે, હાલમાં જ તેમના એક વાયરલ વીડિયોના નિવેદને નવો વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. હાલમાં પાંચમી ઓગસ્ટે વડાપ્રધાન નરેનદ્ર મોદીના હસ્તે રામ મંદિર નિર્માણની પહેલી ઈંટ મુકાનારી છે તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે એવું કહ્યું હતું કે, રામ મંદિરની ઈંટ આ 9 વ્યક્તિના હાથે મુકાવી જોઈએ. અન્ય કોઈને હાથ પણ ન લગાડવો જોઈએ.

મોરારી બાપુએ કહ્યું કે મને જો પુછવામાં આવે કે રામમંદિરમાં ભૂમિ પૂજન કોના હાથે થવું જોઈએ તો હું કહું કે, સમાજની કિશોરી, શબરીઓ, અહલ્યાના હાથે ઈંટ મુકાવી જોઈએ, સમાજની કોઈ બાળાના હાથે મુકાવી જોઈએ, રામ મંદિરની ઈંટ મંદોદરીના હાથે મુકાવી જોઈએ. તારાના હાથે ઈંટ મુકાવી જોઈએ, દ્રોપદીના હાથે ઈંટ મુકાવી જોઈએ. આ પાંચને આપણે સતીઓ કહીએ છીએ. આ પાંચ માતૃ શરીરના હાથે ઈંટ મુકાવી જોઈએ.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ દેશના કોઈ જવાનના હાથે ઈંટ મુકાવી જોઈએ, મને જો પુછવામાં આવે તો બાકી કોઈ પુછે નહીં, મારી સલાહ ઘણું નુકસાન કરે, સમાજનું કલ્યાણ થાય પણ અમુકનું નુકસાન થાય. પણ મને જો મુકવામાં આવે તો જવાનના હાથે ઈંટ મુકાવી જોઈએ, બુટ સાથે ઈંટ મુકે તો ય મને વાંધો નથી. બુટ પણ તેમનો સ્વધર્મ છે. મને પુછવામાં આવે તો મારા દેશના એક ખેડૂતના હાથે ઈંટ મુકાવી જોઈએ. એક વૈજ્ઞાનનીકના હાથે મુકાવી જોઈએ. જેનામાં નખશીખ ઈમાન ભર્યું હોય તેના હાથે ઈંટ મુકાવી જોઈએ. આ નવ જણાના હાથે જ ઈંટ મુકાવી જોઈએ, બાકી કોઈને એ ઈંટ અડવા ન દેવી જોઈએ. બાકી તૈયાર ભાણે ખાવા આવે... આ મારી રામાયણ રોજ એક રામ મંદિર બનાવે છે.