મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ અયોધ્યામાં રામ મંદિર જન્મ ભૂમિ પર રામજીનું મંદિર નિર્માણ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજનના કાર્યક્રમ દરમિયાન પહેલી ઈંટ મુકવાના છે. આ કાર્યક્રમની રંગારંગ તૈયારીઓ થઈ ચુકી છે. નિમંત્રણ પત્રનું અનાવરણ પણ કરવામાં આવ્યું છે. આ નિમંત્રણ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ફક્ત ત્રણ વ્યક્તિના નામ છે, જે મહેમાનોની લીસ્ટમાં કરાયેલી છટણીનો સંકેત પણ છે. કાર્ડમાં વડાપ્રધાન મોદી ઉપરાંત આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ જોવા મળી રહ્યું છે. કોવીડ 19ના સંકટ સમયે આ કાર્યક્રમમાં ખુબ જ સિમિત લોકોની સંખ્યા હશે તે તો સ્પષ્ટ છે.

નિમંત્રણ પત્રમાં આ નામો ઉપરાંત ભગવાન રામની તસવીર પણ છે. જાણકારી મળી રહી છે તે પ્રમાણે ફક્ત 150 લોકોને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સ્ટેજ પર ફક્ત પાંચ વ્યક્તિના બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને મહંત નૃત્ય ગોપાલદાસ સામેલ હશે.

આપને એ જણાવી દઈએ કે ભવ્ય રામ મંદિરના ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધા મોદી બપોરે 12.15.15 પર શિલાન્યાસ કરશે. તેમના હાથેથી 40 કિલોની ચાંદીની ઈંટ મુકીને ભૂમિ પૂજન કરવામાં આવશે. 5 ઓગસ્ટે કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દૂરદર્શન પર કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે અયોધ્યામાં પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ઉમા ભારતી લગભગ આ કાર્યક્રમમાં હવે શામેલ ન થાય તેવું બની શકે છે કારણ કે પોતે જ કાર્યક્રમથી હવે દુર રહેવાની વાત કરી છે.