મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણના ભૂમિ પૂજનની તૈયારીઓ ચાલી રહી છે. હવે રામ મંદિર બસ થોડા જ સમયમાં નિર્માણ પામવાનું છે ત્યારે મંદિર માટે કરોડો રૂપિયાના દાન આવી રહ્યા છે. મોરારી બાપુએ ખાલી એક વખત કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણમાં પાંચ કરોડ રૂપિયા મોકલીશું. દાનની રકમ ધીમે ધીમે ભેગી થતી ગઈ અને માત્ર થોડા જ દિવસોમાં 16 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા છે. 16 કરોડ રૂપિયા ખુબ મોટી રકમ કહી શકાય તેવી છે.

મોરારી બાપુએ કહ્યું હતું કે સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું. ચિત્રકુટદામ તલગાજરડામાં તુલસીપત્રા રૂપે ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. શ્રોતાઓ તરફથી કંઈ પણ આવે તે બધા રૂપિયા મેળવીને પૈસા મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત સાંજ સુધી 10 કરોડ રૂપિયા ભેગા થયા હતા. હવે રૂપિયા 3.51 કરોડ અમેરિકા અને કેનેડાથી જ્યારે 2.80 કરોડ યુકે અને યુરોપથી આવ્યા છે. જેથી કુલ રૂપિયા આજ બપોર થતાં પહેલા તો 16 કરોડથી પણ વધુ થઈ ગયા છે. આશા છે કે, મંદિરના નિર્માણ પછી, ખરેખર રામ રાજ્યની સ્થાપના થાય અને  શિક્ષણ-આરોગ્ય જેવી ઘણી જરૂરી બાબતો પર પણ લોકોનો આવો જ ઉત્સાહ જોવા મળે.