મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ : દેશના વરિષ્ઠ વકિલ અને કાયદાવિદ્દ રામજેઠમલાણીનું 95 વર્ષની ઉમંરે નિધન થયુ પણ બરાબર નવ વર્ષ પહેલા તેમણે અમદાવાદ સેશન્સ કોર્ટમાં સૌરાબઉદ્દીન શેખ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા અમીત શાહને જામીન ઉપર છોડાવવા માટે અમદાવાદની કોર્ટમાં છ કલાકની મેરેથોન દલિલો કરી હતી, જો કે અમદાવાદની કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કરતા જેઠમલાણીએ ગુજરાત હાઈકોર્ટમાં અમીત શાહ માટે દલિલો કરી તેમને જામીન ઉપર છોડાવ્યા હતા, જો કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર રચાયા પછી રામ જેઠમલાણી અને અમીત શાહના સંબંધોમાં ખટાશ આવી હતી અને જેઠમલાણીએ ત્યાર બાદ નરેન્દ્ર મોદીની જાહેરમાં આકરી ટીકાઓ પણ કરી હતી.

2005-2006માં ગુજરાત પોલીસે કહેવાતી અથડામણમાં રાજસ્થાનના ગેંગસ્ટર સૌરાબઉદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિની હત્યા કરી હતી, આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં પહેલા ગુજરાત સીઆઈડી ક્રાઈમ અને ત્યાર બાદ 2010માં સીબીઆઈએ તપાસ સંભાળી હતી, સીબીઆઈ સામે જે તથ્યો બહાર આવ્યા તેમાં આ હત્યાકાંડમાં તત્કાલીન ગૃહરાજય મંત્રી અમીત શાહની સંડોવણી બહાર આવતા તેમને સીબીઆઈ સામે હાજર થવા સમન્સ નિકળતા તેઓ ફરાર થઈ ગયા હતા અને બાદમાં તેમણે શરણાગતી સ્વીકારતા તેમની ધરપકડ કરી  તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

સાબરમતી જેલમાં રહેલા અમીત શાહે જામીન ઉપર છુટવા માટે દેશના નામાકિંત વકિલ રામ જેઠમલાણી અને ગુજરાત હોઈકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટની પણ ભૌગોલીક રચના પ્રમાણે જેઠમાલાણીને કોર્ટમાં ખાસ્સુ ચાલવુ પડે તેમ હતું છતાં તેઓ કોર્ટમાં રૂમમાં પહોંચ્યા અને અમીત શાહને તેમણે જામીન અપાવ્યા હતા. જો કે ભાજપના સ્વભાવ પ્રમાણે કામ થઈ ગયા પછી રામ જેઠમલાણી તેમના માટે કોડી સમાન હતા જેના કારણે અમીત શાહ અને રામ જેઠમલાણી વચ્ચે ખટાશ આવી હતી અને ભાજપના સમર્થક રહેલા રામ જેઠમલાણી તે કડવાશ સાથે જ મૃત્યુ પામ્યા હતા.