મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ આગામી પાંચમી ઓગસ્ટે થવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં કોરોનાની સ્થિતિને પગલે ઘણાઓને આમંત્રણ નથી. જેને લઈને લગ્ન સમારંભ જેવો ઘાટ ઘડાયો છે. આમંત્રણ ન મળતાં ઘણાઓને માઠું લાગ્યું છે તો ઘણાઓને તો ફરક પડ્યો નથી પણ તેમના ટેકેદારોને માઠું લાગ્યું છે. આવું જ કાંઈક માઠું મોરારી બાપુના કેટલાક સમર્થકોને લાગ્યું છે.

ઉલ્લેખનીય છે કે મોરારી બાપુ ઘણા વર્ષોથી રામ કથા કરે છે અને તેઓ આ કારણે દુનિયાભરમાં જાણિતા છે. સ્વાભાવીક પણે હાલમાં રામ જન્મભૂમિ પર મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે તેમના ટેકેદારોને આશા જાગી હતી કે બાપુને આમંત્રિત કરાશે. જોકે આવા સમયે બાપુને આમંત્રિત કરાયાનો એક ખોટો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને કારણે પણ લોકો વધુ નારાજ થયા છે.

મોરારી બાપુએ રામ મંદિરના નિર્માણ માટે દેશ વિદેશથી લગભગ 18 કરોડ જેટલી રકમ દાન સ્વરૂપે ભેગી કરી છે. તેવા સંજોગોમાં મોરારી બાપુને જ આમંત્રણ નથી તેવું જાણી ઘણા નાખુશ થયા છે પરંતું તે તમામ નારાજોએ સમજવાની જરૂર એ પણ છે કે હાલમાં બાપુની ઉંમર 73 વર્ષની છે. તેથી તેમને સાચવણી પણ એટલી જ રાખવાની જરૂર છે.

સોશિયલ મીડિયા પર મોરારી બાપુના નામે આમંત્રણ આવ્યું હોવાનો હવે એક પત્ર વાયરલ થયો છે. જેમાં આ પત્ર કોઈએ ફેક બનાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આમંત્રણ ન મળ્યું હોવાને કારણે રાજુલા બજરંગબલી સેના અગ્રણી અને દલિત સમાજના આગેવાન કિશો ધાખડાએ સરકારને મોરારી બાપુને આમંત્રણ આપવાની સોશિયલ મીડિયા થકી અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા પત્રની ખરાઈ અંગે મોરારી બાપુના અંગત સેવક જયદેવ માંકડે પત્ર સાચો ન હોવાનું જણાવ્યું છે.