મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કોંગ્રેમાંથી કુલ 8 ધારાસભ્યોની બાદબાકી થઈ ગઈ, રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોના રાજીનામાઓ, અચાનક પાર્ટીમાં થતો અન્યાય, નારાજગી, વિચારધારાનું બદલાવું વગેરે હવે નવું નથી રહ્યું. નેતાઓની પણ એક કિંમત હોય છે બસ ચુકવનારો જોઈએ, એ વાત બીલકુલ સત્ય છે. હાલ કોરોનાનો કપરો સમય, બધું ભૂલી હવે નેતાઓ ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી દીધું છે. બંને પક્ષો હવે પોતાનાને સાચવવા અને સામે છેડેથી તોડવામાં લાગી ગયા છે, જોકે આ બાબતમાં કોંગ્રેસે 8 ધારાસભ્યો ગુમાવ્યા છે. તેવા સંજોગોમાં બે ધારાસભ્યોનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.

આજે કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને બેચરાજીના ભરતજીનું નિવેદન સામે આવ્યું છે. ચંદનજીએ કહ્યું કે, સમય આવ્યે ખબર પડશે કે ભાજપમાંથી કોણ ગયું, કોંગ્રેસ પાસે પણ પોતાની રણનીતિ છે. મહાભારત સમયમાં પાંડવો અને કૌરવોના યુદ્ધમાં પાંડવોની જીતની શક્યતા ઓછી હતી છતાં નીતિ સાચી હોવાને કારણે ભગવાન કૃષ્ણ તેમની સાથે રહ્યા અને તેઓ વિજયી બન્યા હતા. હાલ પણ અમારું શીર્ષ નેતૃત્વ આદેશ કરશે તેવી રીતે મતદાન કરીશું.

બેચરાજીના ધારાસભ્ય ભરતજીનું કહેવું છે કે, અમારા બે સાથીઓ ભલે ભાજપમાં જોડાયા, હું કોંગ્રેસને વફાદાર રહીશ, મારા માટે આગામી સમયમાં ભાજપ કરોડો રૂપિયાનો ઢગલો કરશે તો પણ હું ભાજપમાં નહીં જાઉં... હું ભાજપમાં જવાનો છું એવી વાત ખુદ ભાજપના જ નેતાઓ ફેલાવે છે.