મેરાન્યૂઝ નેટવર્ક.નર્મદાઃ રાજપીપળા નગરપાલિકાના ભાજપ પક્ષના કોર્પોરેટરે પોતાના ઘરે ફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના સામે આવતા જ ભારે ચકચાર મચી હતી. તેઓ પાલિકાના વોર્ડ છ ના કોર્પોરેટર હતા. નામદેવ દવે નામના આ કોર્પોરેટરે પોતાના ઘરે પત્ની અને પુત્રી હાજર ન હોઈ આ પગલું ભર્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતાં તેમના આપઘાત પાછળનું કારણ તથા અન્ય તથ્યો પર નજર કરી છે. જોકે હાલ સુધી પોલીસ જાણી શકી નથી કે તેમણે આવું પગલું કેમ ભર્યું હશે.

ભાજપના રાજપીપળા પાલિકાના વોર્ડ 6ના કોર્પોરેટર નામદેવ દવેએ આપઘાત કરી લીધો હતો. તેમના આપઘાતની જાણ થતા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા પાલિકા પ્રમુખ ફૂલદીપ સિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, કમલેશ પટેલ, તેમના અન્ય સ્વજનો, મિત્રો અને આસપાસના લોકો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ત્યાં દોડી આવ્યા હતા. 

Advertisement


 

 

 

 

 

તેમણે પોતાના ઘરે જ્યારે આપઘાત કર્યો ત્યારે તેઓ એકલા હતા. તેમની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસે પરિવાર સહિત અન્યોના નિવેદનો નોંધવા સહિતની કાર્યવાહીઓ હાથ ધરી છે. હવે આગામી સમયમાં કોઈ નક્કર કારણ સામે આવે અથવા પોલીસને આ કેસમાં અન્ય તથ્યો પણ તપાસવા જરૂરી બન્યા છે.

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]