મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેર કોરોનાના મોતનું શહેર બની રહ્યુ છે, સરેરાશ રોજના 70થી વધુ દર્દીના જીવ જાય છે. અને 700થી વધુ પોઝિટિવ કેસ નોંધાય છે. ચોતરફ મોતની કિલકારીઓ ગુંજી રહી છે. તેમાં પણ સિવિલ - ખાનગી હોસ્પિટલમાં બેડ મળતા નથી. ઓક્સિજનના અભાવે દર્દીના ટપોટપ મોત થાય છે, રેમડીસીવર ઇન્જેકશનની અછત છે. કડવી વાસ્તવિકતા નજર સામે જ હોવા છતા કલેકટર રમ્યા મોહન દ્વારા દોષનો ટોપલો ખાનગી હોસ્પિટલો પર ઢોળી દેવાયો છે. તેમજ ઓક્સિજનનાં નામે ખાનગી હોસ્પિટલો પેનિક ઉભું કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે.

આજે કુંદન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ચાર દર્દીના મોતની ઘટના બની હતી. છતા કલેકટર એવુ કહી રહ્યા છે કે, ઓક્સિજન માટે જે દેકારો થઇ રહ્યો છે, તેની પાછળ ખાનગી હોસ્પિટલો જ જવાબદાર છે. રાજકોટમાં કોરોનાના કેસની વર્તમાન સ્થિતિએ રોજ 110 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત રહે છે. પરંતુ અપુરતો સ્ટોક આવતા દર્દીઓનાં જીવનું જોખમ ઉભું થયું છે. આ નરી વાસ્તવિકતા હોવા છતા કલેકટર રમ્યા મોહન આ બાબત સ્વીકારવા તૈયાર નથી.


 

 

 

 

 

રેમ્યા મોહને કહ્યું હતું કે, ઓક્સિજનને લઈ પ્રાઇવેટ હસ્પિટલો પેનિક ઉભુ કરી રહી છે. ખાનગી હોસ્પિટલ પાસે આઠ-દસ કલાક સુધી ચાલે તેટલો સ્ટોક હોવા છતા ઓક્સિજન તળિયાઝાટક છે તેવો દેકારો કરે છે. ખોટી રજૂઆત કરે છે. આ પ્રકારના પેનિકથી દર્દી અને તેના સગા-સબંધીઓના જીવ પડિકે બંધાઇ જાય છે.હાલમાં રાજકોટમાં ઓક્સિજનનો કોઇ ઇશ્યુ જ નથી, જરૂરિયાત મુજબનો પુરતો સ્ટોક મળતો હોવાનો દાવો કલેકટરે કર્યો છે.

જો કે જમીન પરની વાસ્તવિકતા સૌ કોઇ જાણે જ છે. ઓક્સિજનના એક-એક બાટલા માટે લોકો રઝળપાટ કરે છે. જ્યા કોવિડ બેડની વધારાની વ્યવસ્થા કરવામા આવી છે એ ઓક્સજનની સપ્લાયના અભાવે શરૂ કરી શકાતી નથી. એ હકિકત સૌ કોઇ જાણે જ છે ત્યારે રાજકોટને જરૂરિયાત મુજબ ઓક્સિજનનો જથ્થો મળતો હોવાનો હાસ્યાસ્પદ દાવો કલેક્ટરે કર્યો છે.