મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ચૂંટણી પૂર્ણ થતાં શહેરમાં જાણે કે હત્યાનો સિલસિલો શરૂ થયો હોય તેમ એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. અને માત્ર ત્રણ દિવસના સમયમાં જ બીજી હત્યાના બનાવથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આજે બનેલી ઘટનામાં કોઈ બોથડ પદાર્થનાં ઘા ઝીંકીને એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવાતા તેની પત્નીએ રીતસરનો આક્રંદ મચાવ્યો હતો. અને આ દ્રશ્યો જોઈને પોલીસ પણ અવઢવમાં મુકાઈ હતી. જો કે તેણીને શાંત કરવાની સાથે પોલીસે આ હત્યા કરનાર આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. 

પોલીસ તપાસમાં મૃતક યુવાન મૂળ પોરબંદરનો વતની હોવાનું સામે આવ્યું છે. અને તેનું નામ મુકેશ સોલંકી હોવાનું પણ સામે આવ્યું છે. બીજીતરફ મૃતક પોતે પણ અગાઉ પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મુકેશની હત્યા કોણે તેમ જ શા માટે કરી તે બાબતે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. આ દરમિયાન મૃતકની પત્નીએ કાળજું કંપાવતી ચીંસો સાથે આક્રંદ મચાવતા પોલીસે સૌપ્રથમ તેને શાંત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે આસપાસમાં આવેલ સીસીટીવી ચકાસવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અને આરોપીઓ જલ્દી ઝડપાઈ જવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે.