મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : દેશમાં લોખંડી પુરુષ સરદાર પટેલની 143મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કેવડિયા કોલોની ખાતે તૈયાર કરવામાં આવેલી સરદારની વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા (સ્ટેચ્યૂ ઓફ યુનિટી)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે આ પ્રતિમાને લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના એક યુવાને પણ સવારથી એક બેનર સાથે ઊભા રહી અનોખી રીતે ગરીબ આદિવાસીઓની જમીન મુદ્દે ન્યાય આપવાની માંગ કરી હતી.

શહેરના બહુમાળીભવન ચોકમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે હે સવારથી વિજય કડિયા નામનો યુવાન એક બેનર સાથે ઉભો છે. જેમાં લખ્યું છે કે,'સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ નથી પણ ગરીબ આદિવાસીઓની જમીન છીનવી છે તે મુદ્દે ન્યાય આપો' પોતાના અનોખા વિરોધ મામલે વિજયે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, લોખંડી પુરુષ સરદાર પટેલે 562 રજવાડાઓને એક કરીને ભારત દેશમાં એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેના માટે તૈયાર કરાયેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો કોઈ વિરોધ નથી.

પરંતુ સ્ટેચ્યૂ અભણ અને ગરીબ આદિવાસીઓની જમીનમાં બનાવવામાં આવ્યું છે. આ આદિવાસીઓના ઘરોમાં આજે ચૂલો પણ સળગ્યો નથી. અનેક લોકોએ પોતાના ધંધા-રોજગાર પણ બંધ રાખ્યા છે. પોતાની જમીનનું યોગ્ય વળતર ન મળવાને કારણે લાખો લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. ત્યારે આ અંગે રાજકોટના લોકોને જાણકારી તેમજ આદિવાસીઓને ન્યાય અપાવવા માટે પોતે આ શાંતિપૂર્વકનું વિરોધ પ્રદર્શન કરી રહ્યો હોવાનું પણ તેણે કહ્યું હતું.