મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ :  શહેરનાં સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીને લઈને ભાવિકો મોટી સંખ્યામાં દર્શને પહોંચ્યા હતા. દરમિયાન તાલુકા યુવા ભાજપ પ્રમુખ કરણ લાવડીયા અને પૂજારી વચ્ચે ઘર્ષણ થયું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પૂજારી દ્વારા જીન્સ પહેરી પૂજા કરવાની મનાઈ થતા આ બોલાચાલી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. અને વિડીયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, બંને વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ રહી છે. જોકે વિડીયો વાયરલ થયાનાં થોડા કલાકો બાદ રામનાથ મંદિરના પૂજારીએ ભાવિકોનો ધસારો હોવાથી માત્ર સામાન્ય બોલાચાલી થયાનું જણાવ્યું છે.

સમગ્ર મામલે જાણવા મળતી વિગત મુજબ, આજે સવારે તાલુકા યુવા ભાજપ પ્રમુખ કરણ લાવડીયા રામનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે કોઈ કારણોસર તેમને પૂજારી સાથે બોલાચાલી થઈ હતી. આ ઘટનાને કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વિડીયો વાયરલ થયો હતો. જો કે આ અંગે રામનાથ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, જે સમાચાર વાયરલ થયા છે તેમાં ભક્તોની ભારે ભીડ હોવાથી થયેલી સામાન્ય બોલાચાલી છે. આ મંદિરનાં કોઈ પૂજારી સાથે કોઈપણ વ્યક્તિને મનદુઃખ કે કોઈ ઝઘડો થયો હોવાનો તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.