મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં ગુનાખોરીના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે અને પોલીસ ટ્રાફિક નિયમનમાં વ્યસ્ત છે. ગત રોજ જ સેન્ટ્રલ જેલ પાસે એક યુવાનની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી ત્યાં આજે 20થી વધુ વાર છરા મારીને બેરહેમીથી હાથ પર બાઈક ચલાવીને યુવકની હત્યા કરવાની ઘટના ઘટી છે. ઘટનાને પગલે લોકોમાં ડરનો માહોલ છે.

આજે બપોરે 45 વર્ષિય હરેશભાઈ પરમાર નામની વ્યક્તિ શહેરના યુનિવર્સિટી રોડ પર સ્થિત રવિરત્ન પાર્કના પાસેથી જઈ રહ્યા હતા. અચાનક અન્ય બાઈક સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. જેને પગલે તે બાઈક ચાલકે છરો કાઢી લીધો અને પહેલા તો હરેશભાઈને અંધાધૂંધ 20થી વધુ વાર છરો માર્યો. પછી મરી રહેલા યુવક પર બેરહેમીથી બાઈક ચલાવીને તે ફરાર થઈ ગયો હતો.

ધોળા દિવેસ થયેલી હત્યાની માહિતી મળતાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડી ગયા હતા. તેમણે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજમાં લાગી ગયા હતા. મૃતક હરેશભાઈ અમિન માર્ગ વિસ્તારમાં વિનસ પાન નામની દુકાન ચલાવતા હતા. ગઈકાલે તેમની દીકરીની સગાઈ થવાની હતી. તેમના જ મિત્ર ફિરોજ જિકારભાઈ મેમણ દ્વારા તેમની હત્યા કરાઈ હોવાના આક્ષેપો લાગ્યા છે. જોકે હત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

હાલ પોલીસ દ્વારા આરોપીને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ બે દિવસોમાં થયેલી બે હત્યાઓને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સાથે જ પોલીસ તંત્રની કામગીરીને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ થયેલી હત્યાના આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે અને તે પણ કલાકોમાં અને આ હત્યાના આરોપી પણ જલ્દી જ પોલીસની પકડમાં હશે તેવી જાણકારી મળી રહી છે.