મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ શહેરના મોટામવા કણકોટ રોડ પર અંબિકા ટાઉનશીપ પાસે આવેલા  ધ કોટયાર્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં વણીક યુવાને બુધવારે રાતે પત્નિ-સંતાનો સાથે દાંડીયા રાસ રમ્યા બાદ રાત્રીના બે વાગ્યા પછી કોઇપણ સમયે ઘરેથી નીકળી જઇ રહેણાંક પાછળ આવેલા કૂવામાં ઝંપલાવી જિંદગીનો અંત આણી લીધો હતો. આપઘાતની આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસ સામે ચોંકાવનારૂ કારણ સામે આવી રહ્યું છે. જિંદગી ટૂંકાવી લેનાર આ યુવાન ઓનલાઇન પોકર ગેમમાં લાખો રૂપિયા ગુમાવી બેસતાં આ પગલુ ભર્યાનું બહાર આવી રહ્યું હોઇ પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે. 

ગુરૂવારે સવારે કણકોટ રોડ પર ધ કોટયાર્ડ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા કુવામાં એક અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં મવડી ફાયરબ્રીગેડ સ્ટાફ  સ્થળ પર પહોંચી યુવાનની લાશને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી. જાણ થતા તાલુકા પોલીસ મથકના સ્ટાફ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ લાશ કૂવા નજીક જ આવેલા  ધ કોટયાર્ડ બીલ્ડીંગ બી/૩૦૪ માં રહેતા કૃણાલભાઇ હરીશભાઇ મહેતા (ઉ.વ.૩૯) નામના વણિક યુવાનની હોવાનું તેમના સ્વજનોએ ઓળખી બતાવ્યું હતું.

આપઘાત કરનાર કૃણાલભાઇ મહેતા બે ભાઇમાં નાના હતાં અને ખાનગી કંપનીમાં નોકરી કરતા  હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. બુધવારે કૃણાલભાઇ પત્નિ-સંતાનો સાથે રાસ ગરબા રમવા ગયા હતાં. મોડી રાતે પરત આવી બે વાગ્યા આસપાસ બધા સુઇ ગયા હતાં. ગુરૂવારે સવારે પરિવારજનોએ કૃણાલભાઇને ઘરમાં ન જોતાં તેઓ ઘણી વખત સવારે નાસ્તો લેવા જતાં હોઇ ત્યાં ગયાનું સમજ્યું હતું. પરંતુ મોડે સુધી ઘરે ન આવતાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન કૂવામાંથી એક યુવાનની લાશ મળી હોઇ લોકો ભેગા થયા હોઇમોડી પરિવારજનો ત્યાં પહોંચતા એ લાશ કૃણાલભાઇની હોવાનું જણાતાં કલ્પાંત સર્જાયો હતો.

આપઘાતનું કોઇ ચોક્કસ કારણ લાશ મળી એ દિવસે બહાર આવ્યું નહોતું. દરમિયાન મૃતક યુવાનના સ્વજનોને મૃતકના પાકિટમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઓનલાઇન પોકર ગેમની આઇડીમાં લાખોની રકમ ગુમાવ્યાની નોંધ હોવાનું કહેવાય છે. તેણે મિત્રો પાસેથી, કંપનીમાંથી તેમજ બીજા લોકો પાસેથી રકમો લીધાની પણ ચર્ચા છે. પોલીસના હાથમાં આ ચિઠ્ઠી આવ્યા બાદ આગળ તપાસ શરૂ થશે અને મૃતકના સ્વજનોના નિવેદનો નોંધવા તજવીજ થશે.