મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સાધુ વાસવાણી રોડ પર મહિનાઓથી ઘરમાં ગોંધી રાખવામાં આવેલી યુવતિ અલ્પાને ગઈકાલે સાથી સેવા ટ્રસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. અને પરિવારનાં વિરોધ છતાં પોલીસની મદદથી તેને સારવારમાં ખસેડવામાં આવી હતી. જો કે યુવતિની હાલત અતિ નાજુક હોઈ ડોક્ટરો તેણીને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. અને ગણતરીની કલાકોમાં સારવાર દરમિયાન યુવતિનું મોત થતા માનવતા શર્મસાર થઈ છે. 

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર એક 25 વર્ષીય CAનો અભ્યાસ કરતી યુવતી અલ્પા સેજપાલને તેના જ પરિવારે ગોંધી રાખી હતી. સંસ્થાની ટીમ તેની સ્થિતિ જોવા તેના ઘરે પહોંચી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતી મરણ શૈયા પર હોય તે રીતે તેને ઘરમાં રાખી હતી. જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી. યુરીનની કોથળીઓ ભરેલી હતી. તેમજ છ માસથી એક રૂમમાં ગોંધી રાખવામાં આવી હોવાનું આસપાસનાં લોકોએ જણાવ્યું હતું. 


 

 

 

 

 

પાડાશીઓને યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. આથી જલ્પાબેન અને તેની ટીમ પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી. અને યુવતિની આ સ્થિતિ જોઇને સંસ્થા તેને હોસ્પિટલ ખસેડવા જતા હતા. જો કે પરિવારજનો સહમત ન હતા. અંતે સામાજિક સંસ્થાએ પોલીસને સાથે રાખીને યુવતીને સારવાર માટે ખસેડી હતી.

સામાજિક સંસ્થાના કહેવા પ્રમાણે યુવતી છેલ્લા ત્રણ દિવસથી કોમોમાં હતી. સંસ્થાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રૂમમાં પહોંચતા જ સાથી સેવા ગ્રુપને મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં આ યુવતી જોવા મળી હતી. અને તેની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ જોવા મળ્યાં હતા. એટલુ જ નહિ ડોક્ટરોના કહેવા પ્રમાણે આઠ દિવસથી તેને પાણી પણ આપવામાં આવ્યુ નહોતું. આવી સ્થિતિ છતાં યુવતીના પરિવારજનો યુવતીની સારવાર માટે  તૈયાર ન હતા. પરંતુ સારવારનાં નામે ઉઘરાણા કરતા હતા.