તુષાર બસિયા (મેરા ન્યૂઝ. રાજકોટ) : ભારતીય પરંપરામાં ભુખ્યાને ભોજન કરાવવાનો મહિમા ખૂબ મોટો છે. આ પરંપરા કોઈ જાત કે ધર્મ પૂરતી સીમિત નથી લગભગ દરેક ભારતીય આ ગુણ ધરાવે છે. જેનું કારણ બાળપણથી ધાર્મિક અને સાંસ્કૃતિક બંને રીતે સંસ્કારોનું સિંચન છે. પરંતુ ધર્મ પાછળ આંધળી દોટમાં આપણે ક્યારે માનવધર્મ ચુકી જઈએ તેનો ખ્યાલ જ નથી રહેતો. પરંતુ રાજકોટનું માનવધર્મ ગ્રુપ મનથી ધનવાન છે માટે માનવધર્મ નિભાવવાનું ચૂકતું નથુ અને ભૂખ્યા માટે અન્નક્ષેત્ર ચલાવી રહ્યાં છે.

મોટા ભાગે લોકો વિચારતા હોય છે કે સેવા માટે ધનની જરૂર હોય છે. પણ ખરેખર સેવા માટે ધન કરતા ઉદાર મનની વધારે જરૂર પડતી હોય છે. એવું જ કંઈક રાજકોટના માનવધર્મ અન્નક્ષેત્રમાં જોવા મળે છે. રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રીલ વિસ્તારમાં પટેલ ચોક ખાતે માનવધર્મ ગ્રુપ દ્વારા ભોજન યજ્ઞ ચલાવવામાં આવે છે. અહીં માણસ ભૂખ્યો આવે છે પંરતુ પેટની જઠરાગ્નિ ઠાર્યા વિના પરત જતો નથી. આ ગ્રુપ દ્વારા રોજ બપોર-સાંજ અન્નક્ષેત્ર ચલાવી લોકોને ૧૦ રૂપિયાના ટોકન દરે ભોજન આપવામાં આવે છે. ૧૦ રૂપિયા પણ કોઈને મફત જમવાનું ઋણ ન જણાઈ માટે લેવામાં આવે છે, ટૂંકમાં પૈસા હોય કે ન હોય ભોજન તો દરેકને પીરસાઈ છે.


 

 

 

 

 

સૌથી મોટી વાત એ છે કે આ ભોજન સેવા યજ્ઞ કોઈ કરોડપતિને પણ શરમાવે તેવું છે. કારણ કે આ યજ્ઞ સોના વડાપાઉંની લારીના મલિક યુવાન મોહિત તેમજ નોકરી વ્યવસાય કરી પેટિયું રળતા તેના મિત્રો દ્વારા ચાલે છે. મનના ધનવાન આ ગ્રુપના સભ્યો દ્વારા દિવસમાં 100 જેટલા લોકોને ભોજન પીરસે છે. આ ગ્રુપ હવે રાજકોટની હોસ્પિટલમાં આવતા લોકોને પણ ટિફિન ડિલિવરી શરૂ કરવાનું વિચારી રહ્યાં છે. મોટી વાત એ છે કે આ યુવાનો સેવા માટે કોઈ કંપનીના ફન્ડ કે દાતા પર આધાર રાખતા નથી, યુવાનો પોતે કમાયેલી મહેનતની કમાણીથી સેવાનો ખર્ચ ઉઠાવે છે.

માનવધર્મ અન્નક્ષેત્રમાં કેટલાક લોકો દાન આપવા આવે તો પણ રોકડ રકમનો સ્વીકાર કરવામાં આવતો નથી. આ સેવા યજ્ઞથી કોઈ નામના મેળવવા કે જશ ખાટવા માટેની જાહેરાતો ગ્રુપ દ્વારા કરવામાં આવતી નથી. જ્યારે કેટલીક ધનવાનોની સંસ્થા માત્ર ફન્ડ મેનેજમેન્ટ અને પ્રતિષ્ઠા મેળવવા કાર્ય કરતી હોય તેમ જાહેરાત કરતી હોય છે. જ્યારે અહીં તો નામ જેવું કામ હોય તેમ માનવ ધર્મ સમજી ભોજન સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, આ સૂચવે છે કે ભારતમાં હજુ પણ મનના ધનવાનો છે. સલામ કર્યા વિના ના રહેવાય આ ગ્રૂપને કે જે ખરા માનવધર્મને જવાબદારી સમજી હાજરો ભૂખ્યા પેટની આગ ઠારતા આ ગ્રુપના સભ્યો ને.