મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં બિલ્ડરનાં ભાભી પાસેથી ખંડણી માંગવાની ઘટના સામે આવી હતી. જેમાં એઓપીએ સહપાઠી યુવતિની વિધવા માતા સંગીતાબેનને મેસેજ કરીને રૂ. 72 કરોડની માંગ કરી હતી. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો છે. તેમજ પારસ મોણપરા નામના આ શખ્સે મોજશોખ માટે રૂપિયા માંગ્યા હોવાનું સ્વીકારતા કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. 

રાજકોટમાં અપહરણ કર્યાં વગર જ એક લવરમૂછિયા ખંડણીખોરે 72 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપી પારસ ઉર્ફે પરિયો મોણપરા નામના યુવાનની ધરપકડ કરી છે. ખંડણી માંગવા માટે પારસે જે પ્લાન ઘડ્યો હતો તેના વિશે સાંભળીને ભલભલા માંથું ખંજવાળે. પારસે રાજકોટના એક બિલ્ડરના ભાભીને વોટ્સએપ મેસેજ કરીને 72 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પારસે મહિલાની છોકરીને મારી નાખવાની ધમકી આપી હતી. એક સમયે પારસ અને આ છોકરી સારા મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે. આ જ કારણ છે કે પારસ છોકરીના પરિવારમાં કોણ કોણ છે સહિતની તમામ વિગતો જાણતો હતો. 


 

 

 

 

 

પોલીસના જણાવ્યા અનુસાર રાજકોટ શહેર ખાતે બાંધકામનો વ્યવસાય કરતા કિશોરભાઈ પરસાણા નામના શખ્સે ફરિયાદ નોંધાવી હતી. કિશોરભાઈ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના વિધવા ભાભીના વોટ્સએપ પર કોઈ અજાણ્યા શખ્સનો મેસેજ આવ્યો છે. જે મેસેજમાં વ્યક્તિએ ધમકી આપતાં જણાવ્યું હતું કે, ‘જો તું 72 કરોડ નહીં આપે તો તારી ત્રણેય દીકરીઓને જીવવા નહીં દઉં. મેસેજથી ડરી ગયેલા પરસાણા પરિવારે થોડ સમય પૂર્વે જ અમદાવાદ ગયેલી પોતાની દીકરી ડેનિશાને રાજકોટ પરત બોલાવી લીધી હતી. 

બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણવા મળ્યું હતું કે, ડેનિશાની માતાને જે વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યો છે તે વોટ્સએપ મેસેજ રાજસ્થાન નહીં પરંતુ ગુજરાતમાંથી કરવામાં આવ્યો છે. સાથે જ આ મેસેજ કરનાર ખંડણીખોર કોઈ જાણભેદુ હોય તે બાબતની પણ શંકા સેવાઇ રહી હતી. જે બાબતે દીકરી તેમજ તેના પરિવારને પૂછતા દીકરીનો પારસ નામનો જૂનો મિત્ર અગાઉ હેરાન -પરેશાન કરતો હોય તે બાબત પણ પોલીસને જાણવા મળી હતી. અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પારસને ઝડપી લઇને તેની આકરી પૂછપરછ કરતા આ ઘટનાનો ભેદ ઉકેલાયો છે.