મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : રૈયા રોડ પરના સુભાષનગરમાં રહેતી મહિલા પતિના બાઇક પાછળ બેસી જતી હતી. ત્યારે અચાનક જ સ્પીડ બ્રેકર આવી જતા બાઇક ઉછળતા તે ઉલળીને નીચે રોડ પર પટકાઇ હતી અને ગંભીર ઇજા પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. પત્ની સાથે યુવાન રાત્રીના સમયે સોડા પીવા નીકળ્યો હતો. દરમિયાન અચાનક સ્પીડ બ્રેકર પર બાઇક ઉછળતા પતિ પાછળ બેઠેલી તેમની પત્ની નીચે પટકાઇ હતી.

સુભાષનગર શેરી નં.8માં રહેતા શેહબાઝભાઇ યુસુફભાઇ માંકડા નામનો મેમણ યુવાન રાત્રે નમાઝ પઢીને ઘરે આવ્યા બાદ તેની પત્ની યાસ્મીન (ઉ.વ.23) ને બાઇકમાં બેસાડીને સોડા પીવા નીકળ્યા હતા. રામેશ્વર ચોકથી આગળ આરએસસી ઓફિસ પાસે પહોંચ્યા ત્યારે અચાનક સ્પીડ બ્રેકર આવતા શેહબાઝભાઇએ કાબૂ ગુમાવતાં પત્ની યાસ્મીન પાછળથી ઉછળીને પડતા બેભાન થઇ ગયા હતા. બનાવની પરિવારજનોને જાણ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની  જાણ થતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.