મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ 108ના કારણે જીવ બચ્યાના અઢળક બનાવો છે તો સામે 108 મોડી પહોંચ્યાના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ ઘણી છે. જોકે હવે આવી ઘટનાનો ભોગ મુખ્યમંત્રી વિજય રુપાણીના માસીનો દિકરો બન્યો છે. તેમના માસીયાઈ ભાઈ અનિલ સંઘવી 4 ઓક્ટોબરે મોત થયું હતું. જેમાં 108 એમ્બ્યૂલન્સ વાન મોડી પહોંચી હતી. આ અંગે તુરંત રુપાણીએ કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યપ્રધાનના ભાઈ અનિલભાઈને શ્વાસની તકલીફ થતાં 108 એમ્બ્યૂલન્સને ફોન કર્યો હતો. જોકે શરૂઆતમાં 15થી 20 મીનીટ ફોન ન લાગ્યો જે પછી લેન્ડલાઈન પરતી કોલ લગાવ્યો તો વાત થઈ. જેમાં ઓપરેટરે સરનામું સમજવામાં ભૂલ કરી હતી જેને પગલે 108 વાન બીજા એડ્રેસ પર જતી રહી અને જ્યારે મદદની જરૂર હતી ત્યારે ન મળી અને 45 મીનીટ મોડી મળી હતી. જોકે ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને અનિલભાઈનું મોત થયું હતું.

મુખ્યપ્રધાન ગતરોજ પોતાના પરિવારજનોને આ દુઃખદ પ્રસંગે મળવા અને શાંત્વતા આપવા ગયા હતા. તે વખતે આખી બાબત તેમના ધ્યાને આવતા તેમણે કલેક્ટરને તપાસ કરવાની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તેની પણ તકેદારી રાખવાની વાત કરી હતી.