મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સુપરમેન હોલીવુડની ફિલ્મનું કિરદાર છે, જેમાં ખુબ તાકાત હોય છે અને તે સામાન્ય માણસ કરતાં ઘણો મજબુત હોય છે. છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને કોરોના કાળ શરૂ થયો ત્યારથી આવા સુપરમેન્સ રાજકીય પાર્ટીઓમાં, લગ્નોમાં, પાર્ટીઓમાં ઘણા જોવા મળ્યા હતા. હાલમાં જ કોરોનાનો નવો સ્ટ્રેઈન કેટલાક દર્દીઓમાં દેખાયો તો ફરી ચિંતાના વાદળો આવ્યા. જોકે આજે રસી આવી તેણે થોડી શાંત્વના આપી છે પરંતુ હાલ કોરોના સામેની લડાઈ અંતિમ ચરણોમાં જઈ રહી છે ત્યારે ઉત્તરાયણનાં તહેવારને ગણતરીનાં દિવસો બાકી છે. જેને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લોકોને તેમના ધાબા પર મોટી સંખ્યામાં એકઠા થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો બીજી તરફ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિને લઈને આજે યુવા ભાજપ દ્વારા ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં કોરોનાનાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતનાં નિયમોનો ઉલાળીયો કરાયો હોવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બની હતી. જેને લઈને ભાજપની ભવ્ય બાઈક રેલીને કોની છૂટ ? નાં સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. 

ભાજપના યુવા મોરચા દ્વારા શહેરનાં તમામ 18 વોર્ડમાં યુવા દિન નિમિત્તે ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવી હતી. શહેર ભાજપનાં પ્રમુખ કમલેશ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપનાં આગેવાનો અને કાર્યકરો એકઠા થયા હતા. અને કોરોનાનાં નિયમોનાં ખુલ્લેઆમ ધજાગરા ઉડયા હતા. તેમ છતાં લાજવાને બદલે ગાજતા હોય એમ કમલેશ મીરાણીએ આ વીડિયો પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પણ રાખ્યો છે. ત્યારે હવે પોલીસ આ મામલે કોઇ કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે, શહેરના તમામ 18 વોર્ડમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે જનજાગૃતિ બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ભાજપ યુવા મોરચાના પ્રદીપ ડવ, પ્રભારી હારુનભાઈ ઉપાધ્યાય સહિત ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવાનો યુવાનોને સ્વામી વિવેકાનંદે સંદેશો આપ્યો છે. ત્યારે તેમની જન્મજયંતી ‘યુવા દિન’ તરીકે ઉજવીને પ્રતિવર્ષ ભાજપ દ્વારા તેમને શ્રધ્ધાંજલી અપાય છે.