મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જોબવર્કના કારખાનામાં જાલી નોટ છાપવાનું કારસ્તાન ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયું છે. કારખાનામાં દરોડો પાડીને જોબવર્ક અને મજુરી કામ કરતા પિયુષ બાવનજીભાઈ કોટડીયા પટેલ અને મુકુંદ મનસુખભાઈ છત્રાળાને ઝડપી લીધા છે. બન્ને પાસેથી રૂ.૨૦૦૦ના દરની ૨૦,  રૂ.૫૦૦ના દરની ૧ અને રૂ.૨૦૦ના દરની ૬ નોટ સહિત ૨૭ નોટ તથા રૂ. ૧૦ હજારની કિંમતનું ઝેરોક્સ કલર પ્રિન્ટર ઉપરાંત રાઈટીંગ પેડ, લીલાકલરની કાચની બોટલ, સેલોટેપ, કટર,ફૂટપટ્ટી સહિતનો જાલી નોટ છાપવાના સાધનો કબજે કરાયા છે. 

આ અંગે જાણકારી માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ આશરે દોઢ વર્ષથી જાલી નોટ છાપવાનું શરૂ કર્યું છે અને પોતાના માટે ખર્ચ  કરવા જાલી નોટ પોતે જ બજારમાં વટાવવા જતા હતા. પ્રાથમિક તપાસમાં ખુલ્યા પ્રમાણે વાવડીમા આરોપી મુકુંદ છત્રાળા જોબવર્કનું કારખાનું ધરાવે છે જેમાં જોબવર્કને બદલે જાલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. અને નોટની કલર ઝેરોક્સ મશીનથી કોપી બનાવી તે વટાવવા નીકળતા અને અત્યાર સુધીમાં આશરે એક લાખ રૂ.ની નોટો બજારમાં ફરતી કરી છે. 

નકલી નોટો વટાવવા માટે તેઓ સાંજ ઢળ્યા બાદ અજવાળુ ઓછુ હોય ત્યારે અને કોઈ વેપારીને બદલે  મોટી ઉંમરના ફેરિયાને શોધીને થોડી વસ્તુ ખરીદીને આ નકલી નોટ આપતા હતા. આ અંગે પી.આઈ.ગઢવીના માર્ગદર્શનમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓ પાસેથી રૂ.૧૦,૮૦૦ની કિંમતનો ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલો પણ મળી આવી હતી. જેને લઈને અલગથી ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આ કારસ્તાનમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.