મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરમાં કાયદો-વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ તેમ ગુનેગારો બેફામ ગુનાખોરી આચરી રહ્યા છે. સરેઆમ લૂંટ હત્યા મારામારી જેવા ગુનાઓને લઈને શહેરીજનો ફફડી ઉઠયા છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં શહેરના મોરબી રોડ પર સરેઆમ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પોલીસે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરના મોરબી રોડ પર આવેલ ધોળકિયા સ્કૂલ નજીક બે શખ્સો અચાનક બાઇક પર ધસી આવ્યા હતા આ બંને શખ્સોએ કિશન નામના એક યુવાન પર આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા. બનાવમાં ગંભીર ઇજા થતા કિશનનું કરૂણ મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે વારંવાર બનતી આવી ઘટનાઓથી શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો છે.