મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ કુવાડવા જીઆઇડીસી નજીક ગઇકાલે છકડો રિક્ષાને ટ્રકે અડફેટે લેતા છકડો રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.  રિક્ષામાં બેઠેલા કુચીયાદળના કોળી પરિવારના પ્રૌઢ, તેમના પત્ની તથા આઠ મહિલાઓને ઇજા થતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં બે મહિલાઓના સારવાર દરમિયાન મોત થયા છે. બનાવને પગલે કોળી પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ પરિવાર રાજકોટના નવાગામ ઢોળે રહેતાં સગાનું મૃત્યુ થયું હોય તેમાં લૌકિક કાર્ય (મૃત્યુ પછીની વિધિ) માં જતા હતા. છકડો રિક્ષાના ચાલકને પણ ઇજા થઇ હતી.

કુવાડવા જીઆઇડીસી ગેટ નં. 1 પાસે ગઇકાલે છકડો રિક્ષાને ટ્રકે અડફેટે લેતા છકડો પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં ચાલક કુચીયાદળના મનિષ કાબજીભાઇ બાવળીયા, છકડો ભાડે કરીને બેઠેલા કુચીયાદળના છગનભાઇ વાલજીભાઇ ડાભી, તેમના પત્ની મંજુબેન છગનભાઇ ડાભી, તેમજ ગામના જ બીજા ડાભી પરિવારના મધુબેન લાખાભાઇ, જસુબેન જેરામભાઇ, પિન્ટૂબેન વસ્તાભાઇ, શારદાબેન વાલજીભાઇ, હેમાબેન વિઠ્ઠલભાઇ, દેવુબેન મગનભાઇ, મંગાભાઇ કાનજીભાઇ અને જમુનાબેન વાલજીભાઇને ઇજાઓ થતાં તમામને સારવાર માટે 108 એમ્બ્યૂલન્સ વાન મારફતે કુવાડવા સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સારવાર દરમિયાન મંજુબેન છગનભાઇ ડાભી (ઉ.50) અને જસુબેન જેરામભાઇ ડાભી (ઉ.70)નું મોત નીપજતાં શોક છવાઇ ગયો હતો. પોલીસે તેમના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.