મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ગઈકાલે એક ટ્રાફિક બ્રિગેડનો જવાન લાંચ લેતો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે પોલીસે તપાસ કરતા આ વીડિયો શકીલ કુરેશી નામના જવાનનો હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેની ડ્યૂટી શાસ્ત્રી મેદાન ચોક પાસે હોવા છતાં માલવીયા ચોક પાસે લાંચ સ્વીકારતા ઝડપાયો હોવાનું ખુલ્યું હતું. જેને પગલે તેને ડિસમિસ કરાયો હતો. તેમજ JCP સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું હતું કે, બ્રિગેડના જવાનની ફરજ માત્ર ટ્રાફિક પોલીસકર્મીને મદદ કરવાની છે અને તેને દંડ લેવાની કોઈ સતા નથી. તેમ છતાં કોઈપણ આવો પ્રયાસ કરે તો મોબાઈલ નંબર 99784405020 ઉપર પુરાવા સાથે સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. 

જાણો શું હતી સમગ્ર ઘટના

શહેરના માલવીયા ચોક વિસ્તારમાં એક ટ્રાફિક બ્રિગેડનો જવાન લાંચ લેતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં આ જવાન એક્ટિવા બાઈક નંબર GJ-03/JH/9606 પર બેઠો હતો. જ્યાં એક યુવાન પાસે આવીને તેને લાંચની રકમ આપતા બ્રિગેડનો જવાન આ રકમ સ્વીકારી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.