મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેર ક્રાઈમ બ્રાન્ચે સૌરાષ્ટ્રભરમાં ચિલઝડપ કરતા 2 આરોપીની 3 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ સાથે જ પુષ્કરધામ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરી મામલે પોલીસે 2 આરોપીની 16.50 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ઘરફોડ ચોરી અને ચિલઝડપ બંનેના ડિટેક્શન બદલ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ક્રાઈમ બ્રાન્ચને રૂપિયા 15 હજારનું ઈનામ જાહેર કર્યું છે. સાથે જ મોજશોખ પુરા કરવા માટે બુલેટની ચોરી કરનાર વિદ્યાર્થીની પણ ધરપકડ કરવામાં આવી છે.

શહેરના પુષ્કરધામ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. ભાણેજ અને જમાઈએ જ સગા માસીજીના ઘરમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આરોપી પાસેથી પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં ચિલઝડપ કરતી ચીખલીગર ગેંગના બે આરોપીઓને પણ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે.

 

સમગ્ર સૌરાષ્ટ્રમાં ચિલઝડપની ઘટનાને અંજામ આપતા 2 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી પોલીસ પકડથી દૂર છે. આ આરોપીઓ બાઈકની પણ ચોરી કરતાં હતા. ચિખલીગર ગેંગના રાજાસિંગ અને શક્તિસિંગ પાસેથી પોલીસે 3,17,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓએ રાજકોટ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અનેક ચિલઝડપની ઘટનાને અંજામ આપી ચુક્યા છે. આ બંને ગુનાઓના ઝડપી ડિટેક્શન બદલ કમિશ્નર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને 15 હજાર રૂપિયાનું ઇનામ અપાયું છે.

મોજશોખ પુરા કરવા માટે બુલેટ ચોરી કરનાર 2 વિદ્યાર્થી ઝડપાયા

શહેરમાં એન્જીનીયરીંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીએ મોજશોખ પુરા કરવા બુલેટ ચોરી કરી હતી. જે મામલે તાલુકા પોલીસે બંને વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ આરોપીઓ બુલેટ અથવા બાઈકની ચોરી કરી વેચી દેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસની પુછપરછમા આરોપી ભરત અને કુલદીપ મોજશોખ માટે બુલેટ ચોરી કરતા હોવાનુ કબુલ્યુ છે. તો સાથેજ બુલેટ ચોરી માટે ટ્રેનીંગ યુટયુબના માધ્યમથી લીધી હોવાની કબુલાત કરી છે. ત્યારે પોલીસે આરોપી પાસેથી 4 જેટલા બુલેટ કબ્જે કર્યા છે.