મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં ગત રાત્રે માંડવી ચોક નજીકના એક જૈન દેરાસરમાં ચોરી થઈ હતી. જેના સીસીટીવી બહાર આવ્યા હતા. સીસીટીવીમાં ચોરે પીપીઈ કીટ પહેરીને ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ચોર પોતાની ઓળખ થવા દેવા માગતો ન હોવાથી આમ કર્યું હોવાનો અંદાજ હતો. ચોરી થઈ તેની જાણકારી આજે વહેલી સવારે મળી હતી. જોકે પોલીસના લાંબા હાથ સાંજ સુધીમાં તો ચોર સુધી પહોંચી ગયા હતા. 

આજ સવારે રાજકોટના ૧૯૪ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસરમાં ચોરી થયા હોવાના સમાચાર મળ્યા. આ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને અમીનેશ રૂપાણી, જીતુભાઈ દેસાઈ સહિત જૈન સમાજના આગેવાનોએ જાણ કરતા તરત જ ક્રાઇમ બ્રાન્ચ PI વી. કે. ગઢવી, PSI એસ. વી. સાખરા સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

CCTV ફૂટેજ ની તપાસ થતા ગઈરાત્રિના ૧૧ વાગ્યાના આસપાસ થયેલ હોવાનું સામે આવ્યું. પ્રાથમિક તપાસમાં ચોરે પદમાવતી માતાજીની પ્રતિમા પાસે આવેલી નાની બારીમાંથી અંદર આવી માણીભદ્ર દાદાના ભંડારમાંથી ચોરી કરી હતી.

ત્યારબાદ પોલીસે દેરાસરના તમામ CCTV ની તપાસ કરી, જ્યાં ચોરી થઈ તે જગ્યાના અંદર અને બહાર જવાના રસ્તાઓ ના કેમેરા ચકાસ્યા. છેલ્લા ત્રણ દિવસના કેમેરા ફૂટેજ જોયા, જેથી કોઈ અજાણ્યો કે શંકાસ્પદ શખ્સ રેકી કરવા દેરાસરમાં અગાઉ આવ્યું છે કે નહીં, તે ખબર પડે. 
ત્યારબાદ દેરાસરના પરિસરમાં રહેતા પૂજારીઓ સહિત તમામ સ્ટાફની પુછપરછ કરી.

પુછપરછ દરમ્યાન મૂળ છોટા ઉદેપુરનો અને હાલ છેલ્લા ૮ વર્ષથી દેરાસરમાં કામ કરતો જયેશ પૂજારીએ ચોરી કરી હોવાનું કબૂલ્યું અને તમામ મત્તા પરત જ્યાં છુપાવ્યા હતા તે અગાશી પર પોલીસને લઈ ગયો. જ્યેશ પૂજારી પુછપરછ દરમ્યાન જ થોડો ભાંગી ગયો હતો અને કબૂલ્યું કે પૈસાની જરૂર હોવાથી ચોરી કરી અને તેને થયું કે નાની ચોરી કરવાથી આ મામલો બહાર નહીં આવે.

જે બાજુથી ચોર અંદર આવ્યો ત્યાં અંદર આવવું મુશ્કેલ છે અને તેની બાજુમાં પણ અન્ય પૂજારી પરિવાર રહે છે. જયેશ પૂજારીએ ચાલાકી પૂર્વક અગાશીમાંથી કપડાં બદલી નીચે ઉતરી, ચોરી કરી, ફરી અગાશી ઉપર જઈ જૂના કપડા પેહરી લીધા.

હાલ, આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે અને ફરિયાદ દાખલ કરી છે. પોલીસે તેની પાસેથી રૂ. 46810 રોકડા, લોખંડની ધારદાર પટ્ટી, સીસીટીવી કેમેરાને ઢાંકવા ઉપયોગમાં લીધેલો ધાબડો અને કોટ પણ કબ્જે કર્યો છે.