મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટના રણછોડનગરમાં આવેલી પી.બી.પટેલ સ્કૂલના સંચાલકનો એક વીડિયો વાઈરલ થયો હતો. ત્યારે વાલીએ અડધા વર્ષની ફી ભરી દેવા છતાં વિધાર્થીને પરીક્ષામાં બેસવા દેવાયો ન હતો. શુક્રવારે વાલીએ આખા વર્ષની ફી ભર્યા બાદ પરીક્ષા આપવા દીધી હતી. લાલચ એટલી કે બાળકની પરીક્ષાની જરૂરિયાત પણ આ અભણો સમજી શકતા નથી તેવું ઘટના પરથી ચર્ચાઈ રહ્યું છે. સાથે જ વાલીઓને મુર્ખ પણ બનાવવામાં આવ્યા હતા. વાલીઓ પાસેથી 20 વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસાડાશે કહ્યું હતું પણ પછી પૈસાના ભુખ્યા શાળા તંત્રઅ 50ને બેસાડ્યા હોવાની રજૂઆતો વાલીઓ દ્વારા કરાઈ છે.

વાલીઓના કહ્યા પ્રમાણે, વાલીઓને 20 વિદ્યાર્થીઓના ક્લાસના પૈસા લઈને 50ની સંખ્યામાં બેસાડવામાં આવે છે. આખા વર્ષની એક સાથે ફી ભરનાર વાલીઓને સોનાનો સિક્કો આપવાની સંચાલકો દ્વારા લાલચ અપાઈ છે, પરંતુ સિક્કો કોઈને આપવામાં આવતો નથી. વીડિયોમાં રજૂઆત કરવા ગયેલા વાલી સાથે સંચાલકો ખરાબ વર્તન કરતા નજરે પડે છે. વાલી સંચાલકોને તમે શબ્દના આદરથી વાત કરે છે જ્યારે સંચાલકો શિષ્ટાચાર છોડી તુ તારીથી વાત કરે છે જેમાં એક મહિલા પણ જોવા મળે છે જે કોઈ રજૂઆત સાંભળવા જ તૈયાર નથી. વાલી દ્વારા સંચાલકોને રજૂઆત કરતા પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવી હતી. વિધાર્થીઓની તાત્કાલિક ફી નહીં ભરાઈ તો શાળામાં અને પરીક્ષામાં વિધાર્થીને નહીં બેસવા દેવા અંગેના શાળા દ્વારા મેસેજ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ફીઓ ઘટશે ઘટશેના ગાજર લટકાવ્યા પછી હાલ પણ શિક્ષણમાં માફિયા રાજ છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. સરકાર દ્વારા પણ સરકારી શાળાઓ પ્રત્યે ઉદાસીનતા એક પ્રકારે આ શિક્ષણ માફીયાઓ માટેની છૂપી મદદ જ કહી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાનો વીડિયો અહીં રજુ કરાયો છે જેમાં આપ ફી ભરનાર વાલીની લાચારી અને ફી લેનાર શાળાઓની દાદાગીરી બંનેને એક સાથે જોઈ શકશો.