મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં વધુ એક સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણીને લગ્નની લાલચ આપી એક મકાનમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાને બે દિવસ ગોંધી રાખી અન્ય બે મિત્રો સાથે મળીને તેણીની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે ભોગ બનનાર સગીરાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેયને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી અને પોલીસે ગણતરીના સમયમાં શખ્સોને ઝડપી પાડ્યા હતા.

સગીરાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ 11ના રોજ રાજદીપ રોલા નામનો શખ્સ તેણીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી મવડીના ક્રિષ્નાપાર્ક ખાતે એક મકાનમાં લઈ ગયો હતો. જ્યાં પોતાના બે મિત્રો જય કાછડિયા તેમજ ચિરાગ દેપાણી સાથે મળી તેણીની મરજી વિરુદ્ધ બે દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું અને તારીખ 13ના રોજ સવારે મુક્ત કરી હતી. સગીરાની આ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી સગીરાના મેડિકલ ચેકઅપ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.