મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: સમગ્ર જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એકતા યાત્રા નકળી રહી છે ત્યારે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી કોઇ જ સરકારી કામગીરી નહીં કરે તેવી જાહેરાત કરી અચોક્કસ મુદ્દતની હડળતાળ પર ઉતરી ગયા છે. ગ્રામ્ય સરપંચ સંગઠન દ્વારા પણ આ વિરોધને સમર્થન આપવામાં આવ્યું છે તો બીજી તરફ તલાટી કમમંત્રીઓ દ્વારા પોતાની અલગ-અલગ માંગણીઑ જેવીકે સમાન કામ સમાન વેતન પ્રમોશન વગેરે જેવા મુદ્દાઓ અંગે સત્વરે નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. આ સાથે હડતાલ પર ઉતરેલા તલાટી કમ મંત્રીઓએ જમીન પર ઓફિસની ચાવી ફેંકી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.

તલાટિ કમ મંત્રીઓ દ્વારા પોતાની પડતર માંગણીઑ સાથે તાલુકા પંચાયત ઓફિસ ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ રાજ્ય વ્યાપી વિરોધમાં રાજકોટ જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની માંગણી હતી કે પગાર વધારો કરવો, રેવન્યુ જોબ ચાર્ટ તૈયાર કરવા તેમજ પ્રમોશન આપવા જેવી વિવિધ માંગણીઓ સાથે 600 થી વધુ ગ્રામ પંચાયતના 500 જેટલા તલાટી કમ મંત્રીઓ કામકાજથી અળગા થઈ ગયા છે. તેમજ આ હડતાળને જે તે ગામના સરપંચોએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે. જેને લઈને રાજ્યની 18 હજાર ગ્રંપંચાયતોના વહીવટો ખોરવાશે.

આજ રોજ તલાટી કમ મંત્રીઓએ રાજ્યવ્યાપી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લાના કર્મીઓ તાલુકા પંચાયત આવી પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. તાલુકા પંચાયત કચેરીમાં કર્મચારી એકતા જિંદાબાદના નારા લગાવી ઓફિસની ચાવીઓ જમીન પર ફેંકી સરકારી કામથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ ગ્રામ્યમાં એકતાયાત્રા ફરી રહી છે તેની પણ કોઇ કામગીરી નહીં કરે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી અને સરકાર સાથે કોઇ પણ ભોગે લડી લેવામા આવશે.