મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા શહેરના ખંઢેરી સ્ટેડિયમ ખાતે IPLની જેમ રમાશે SPL ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આગામી તારીખ 14 થી 22 વચ્ચે યોજાનાર આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ ટીમો 11 મેચ રમશે. આ ટુર્નામેન્ટમાં પણ IPL ની જેમ જ T20 ફોર્મેટ રહેશે. SPLમાં હાલાર, ગોહિલવાડ, ઝાલાવાડ, કચ્છ અને સોરઠ એમ પાંચ ટીમનો સમાવેશ કરાયો છે.

આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ કેટેગરી Aમાં રણજી અને ભારત વતી રમી ચૂકેલ હોય તેવા ખેલાડી છે. કેટગરી Bમાં 23 અને અંડર 19 અને કેટગરી Cમા અન્ય ખેલાડી રમશે. જેમાં કેટગરી Aના ખેલાડીઓને પ્રતિમેચ રૂપિયા 25 હજાર, B કેટેગરીના ખેલાડીઓને 15 હજાર અને C કેટગરીના ખેલાડીઓને 10 હજાર રૂપિયા મેચ ફી પણ આપવામાં આવશે. આ સમગ્ર ટુર્નામેન્ટનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર લાઈવ થશે.

આ સાથે જ જેને પણ લાઈવ મેચ જોવો હોય તેમના માટે એન્ટ્રી ફ્રી છે પણ તેઓએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. પાંચેય ટીમના ફ્રેન્ચાઈઝ ઓનર્સમાં કચ્છ વોરિયર્સના શેખર અયાચી હાલાર હીરોઝના પૂર્વ ક્રિકેટર અજય જાડેજા ઝાલાવાડ રોયલ્સના જી સિંઘ, સોરઠ લાયન્સના નરેશ જૈન અને ગોહિલવાડ ગ્લેડિયેટર્સના ઓનર દિપક નાકરાણી રહેશે.