મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ કપરા કાળમાં તંત્ર ક્યાંક વામણું સાબિત થઇ રહ્યું છે. જેને લઈને કારણે સામાજિક સંસ્થા ઓ આ લડાઈમાં આગળ આવી છે. ત્યારે આજથી રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી એસ.એન.કે સ્કૂલમાં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટર માં 25 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં બની ચૂકેલા કોવિડ કેર સેન્ટરને ટક્કર મારે તે પ્રકારનું કોવિડ સેન્ટર એસ એન કે સ્કૂલ ખાતે બનાવવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને સારવાર સાથે નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે. 

રાજકોટ શહેરના SNK ગ્રુપના ડાયરેક્ટ કિરણભાઈ ભાલોડિયા, બીએપીએસના અપૂર્વમુની સ્વામી, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળા, જ્યોતિ સી.એન.સીના માલિક પરાક્રમસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ એક સાથે એક પ્લેટફોર્મ પર આવીને રાજકોટ શહેરમાં લકઝરીયસ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. જેમાં હાલના તબક્કે હરમિનિટે 15 લિટર ઓક્સિજનની જરુર હોય તેવા દર્દીઓને દાખલ કરાશે. આ કોવિડ કેર સેન્ટરમાં 60 બેડનો ઓક્સિજન પ્લાન્ટ ઓરબીટ બેરીંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.


 

 

 

 

 

આ ઉપરાંત અહીં બીજો ઓક્સિજન પ્લાન્ટ પણ ટુંક સમયમાં આવી જશે. સાથે જ અન્ય બે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમ-જેમ ઓક્સિજનની વ્યવસ્થા થશે તેમ-તેમ બેડની સંખ્યા વધારી 500 બેડ કરવાનું આયોજન છે. આ અંગે બિલ્ડર એસો.માં પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે, કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનના સ્ટોરેજ માટે વધારાની 3 ટેંક ઉપરાંત 200 સિલિન્ડર પણ રાખવામાં આવ્યા છે. જેથી પ્લાન્ટમાં ક્ષતિ આવે ત્યારે દર્દીઓને મુશ્કેલી પડે નહીં. આ કોવિડ કેર સેન્ટરનું મેનેજમેન્ટ એચ.સી.જી હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઈન્ડીયન મેડીકલ એસો.ના તબીબો સેવા આપશે. તો બીએપીએસ સ્વામી-મંદિર દ્વારા દર્દીઓને ભોજન તેમજ ટી પોષ્ટ દ્વારા ચા-દુધ વિનામુલ્યે આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.