તુષાર બસિયા (મેરાન્યૂઝ.રાજકોટ) : ગુજરાતમાં વર્ષોથી શિક્ષણ અને ખાનગી શાળાની ફી એક વિવાદીત મુદ્દો રહ્યો છે. એવામાં રાજકોટની મોદી સ્કૂલમાં મંજૂરી કરતા વધુ વિદ્યાર્થીને એડમીશન આપવાની વાત બહાર આવી છે. આ સબબ મોદી સ્કૂલને રૂ. 2 લાખનો દંડ ફટકારી તંત્ર એ સંતોષ માની લીધો છે. શાળાઓ પોતાના રૂપિયા કમાવાના લાભ માટે બાળકોના ભવિષ્ય સાથે ખીલવાડ કરે તેની સજા બસ 2 લાખ રૂપિયા ?

રાજકોટની મોદી સ્કૂલ લોકડાઉનમાં પણ ફીની ઉઘરાણી કરવા માટે પણ અખબારોમાં ચમકી હતી. સાથે વાલીઓ દ્વારા પણ શાળા વિરુધ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીને રાવ કરવામાં આવી હતી. જેના પગલે ઉંઘેલા ડી.ઈ.ઓ. સફાળા જાગી કાર્યવાહી કરવા મેદાને આવ્યા હતા. ફરિયાદને પગલે એજ્યુકેશન ઇન્સ્પેકટરને તપાસના આદેશ આપવામાં આવ્યા. જેમાં બહાર આવ્યું હતું કે મોદી સ્કૂલે માધ્યમિક વર્ગમાં મંજૂરી 40 વિદ્યાર્થીની હોવા છતાં 65-70 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. મતલબ એક વર્ગમાં (ધોરણ) 30 જેટલા વિદ્યાર્થીને મંજૂરી વિના પ્રવેશ આપ્યો.

આ સાથે જ વર્ગમાં પૂરતા વિદ્યાર્થીના હોય ત્યારે 6 માસમાં વર્ગ ઘટાડા માટે અરજી કરવાની રહે છે. એજ્યુકેશન ઇન્સ્પેકટર દ્વારા તપાસમાં પ્રાથમિકના વર્ગોમાં આવી અરજી મોદી સ્કૂલે કરી ન્હોતી. તમામ બાબતોને ધ્યાને લેતા ગઈકાલે મોદી સ્કૂલને ડી.ઇ.ઓ. એ 2 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. રાજકોટમાં કે ગુજરાતમાં શિક્ષણ સંસ્થા દ્વારા ગેરરીતી થઈ હોવાની આ પ્રથમ ઘટના નથી. છતાં આ બાબતે વિરોધ પક્ષની પાંખ NSUIમાં પણ પરિણામ સુધી લડતી જોવા મળતી નથી. ફોટો પડવાની રાજનીતિથી તંત્ર પણ જાણે હવે ડરતુ નથી તેમ કામગીરી કરતું જણાય છે.

વર્ષ 2016માં મોદી સ્કૂલ, ધોળકીયા સ્કૂલ, ગોલ્ડન એપલ સ્કૂલ અને સેન્ટ મેરી સ્કૂલ CBSE બોર્ડની મંજૂરી વિના જ બાળકોને પ્રવેશ આપી શાળા ચલાવતી હોવાની ફરિયાદ થઈ ચૂકી છે. આ ફરિયાદમાં પણ આરોપી શાળા સંચાલકો પર રહેમ નજર રાખવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ વાલીઓ પાસેથી CBSEના નામે લીધેલી ફી પરત આપવામાં પણ ઠેંગો બતાવી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં જ અમદાવાદની DPS સ્કૂલે પણ બોગસ કાગળ રજૂ કરી નોંધણી કરાવી હોવાની વાત સામે આવી હતી. DPS સ્કૂલમાં સ્વામી નિત્યાનંદને આશ્રમ બનાવવાની જગ્યા આપી બાળકોને તંત્ર મંત્રના નામે ગોંધી રાખવાના અહેવાલો પણ મીડિયામાં પ્રસિધ્ધ થયા હતા.

આ તમામ ઘટનાઓ બાદ સામાન્ય લોકોમાં એક જ પ્રશ્ન છે કે સરકાર કે તંત્ર આવા લોકો સામે કેમ નતમસ્તક રહે છે? મોદી સ્કૂલે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી પ્રવેશ આપ્યો હોવા છતાં કેમ ફોજદારી કાયદાના શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી? આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી આર. એસ. ઉપાધ્યાય સાથે વાત કરતા તેઓ જણાવે છે કે "મારી પાસે સત્તા છે એ મુજબ કાર્યવાહી કરી છે, આવા કિસ્સામાં ફોજદારી કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ છે જ નહીં."

તેમણે ઉમેર્યું કે, ગ્રાન્ટીનેડ શાળામાં અને સરકારી શાળામાં અમે દર વર્ષે વર્ગની મંજૂરી અને સંખ્યાની ચકાસણી કરતા હોય છીએ પણ ખાનગી શાળામાં આવું થઈ શકતું નથી. તો પ્રશ્ન એ છે કે મંજૂરી કરતા રૂપિયા માટે વધુ પ્રવેશ આપી બાળકના ભવિષ્ય સાથે ખેલે તો તે છેતરપિંડી કેમ ના કહેવાય ?