મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ઠેર-ઠેર લડ્યા વિના જીત મળી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રની અલગ અલગ તાલુકા પંચાયતમાં ફોર્મ પરત ખેંચવા કે ફોર્મ ન ભરાવાને કારણે ચાર બેઠકો બિનહરીફ થઇ છે. જો કે આ બાબતમાં ભાજપ દ્વારા કોઈ તોડજોડની રાજનીતિ કરવામાં આવી રહી છે કે ખરેખર જ લોકો હારનાં ડરથી મેદાન છોડી રહ્યા છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ ભાજપનાં ઉમેદવારોને ચૂંટણી લડ્યા વિના જીત મળતા પક્ષને મોટો લાભ મળી રહ્યો હોવાનું નિશ્ચિત છે.  તો જિ.પંચાયતના અમુક ઉમેદવારો પોતાને જ મત આપી શકે તેમ નહીં હોવાનું પણ સામે આવ્યું છે. 

રાજકોટનાં જામકંડોરણા તાલુકા પંચાયતમાં જસાપર, બરડિયા અને ચાવંડમાં કોગ્રેસના ત્રણેય ઉમેદવારોએ અચાનક જ પક્ષની જાણ બહાર ફોર્મ પરત ખેંચી લેતા આ ત્રણેય બેઠક ભાજપને બિનહરીફ મળી ગઇ છે. તો દ્વારકા તાલુકા પંચાયતમાં મીઠાપુર-2 સીટ પર છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ કે અન્ય કોઇએ ફોર્મ પણ ન ભરતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છેે. આ ઉપરાંત મોરબી પાલિકાના વોર્ડ નંબર 6માં કોંગ્રેસ અને ભાજપ દ્વારા કુલ 11 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર્મની ચકાસણી વખતે કોગ્રેસના બે ડમી અને બે ઉમેદવારના એમ ચાર ફોર્મ રદ થતા હવે માત્ર 2 બેઠક પર ઉમેદવાર રહેતા ભાજપને બંને બેઠક પણ બિનહરીફ મળી છે.


 

 

 

 

 

રાજકોટ જિલ્લા પંચાયતની આણંદપર સીટ પરથી લડતા નયનાબેન બાળોન્દ્રા, સરપદડથી લડતા નારણ સેલાણા, વેરાવળથી લડતા પ્રફુલ્લાબા જાડેજા અને બોરડી સમઢિયાળાથી લડતા ભૂપત સોલંકી પોતાને જ મત નહિ આપી શકે કારણ કે, તેઓ ખરેખર બીજી સીટના મતદારો છે. અને જગ્યા બદલીને ત્યાં મુકાયા છે. નારણ સેલાણા ઉપલેટાના ગણોદ પરથી ચૂંટાયા હતા. પણ હવે તે એસ.ટી.ની સીટ સરપદડની થઈ છે તેથી કોંગ્રેસે ત્યાંથી લડવા ટિકિટ આપી છે. આ સિવાય પણ અમુક એવા ઉમેદવારો તાલુકા પંચાયતમાં છે જેની સીટ પર રોટેશન આવતા બીજી સીટ પરથી લડી રહ્યા છે. નિયમ મુજબ જિલ્લાના કોઇપણ મતદાતા જિલ્લા પંચાયતની સીટ પરથી ચૂંટણી લડી શકે છે પણ મત તો જે તે નોંધાયેલા વિસ્તારમાં જ આપવાના રહે છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે સોમવારે ફોર્મ ચકાસણીનો દિવસ હતો જેમાં જિલ્લા પંચાયતની ઉમેદવારી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. સૌથી વધુ ફોર્મ રાજકોટ તાલુકા હેઠળ આવતી 6 સીટમાંથી ભરાયેલા 39 ફોર્મમાંથી 16 ફોર્મ રદ થયા છે. જેને લઈને રાજકોટ જિલ્લા પંચાયતની 36 સીટ માટે 114 ઉમેદવાર મેદાને છે.