મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રીક પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો પાણીની આવકથી છલોછલ ભરાઇ ગયેલા છે. કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવા ગામે ભારે વરસાદના કારણે વાડી વિસ્તારમાં ફસાયેલા એક જ કુટુંબના નાના-મોટા મળીને કુલ ૬ સભ્યોને ગામના સરપંચ અને ગામ લોકોની જાગૃતિ, સતર્કતા અને ત્વરિત કામગીરીએ જીવ જોખમે બચાવ્યા છે. 

ફસાયેલા કુટુંબના મોભી એવા જોરૂભાઇએ ચૌહાણે બચાવ થતા હર્ષભેર જણાવ્યું હતું કે, છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે કોટડા સાંગાણીના નાના માંડવા ગામ અને સીમ વિસ્તાર વચ્ચે આવેલા ઉતાવળી નદીમાં પાણીનું વહેણ જોખમી બનતા ગામના સીમ વિસ્તારના નદીના સામાકાંઠે વાડીમાં મારા તથા મારા કુટુંબના અન્ય પાંચ વ્યકતીઓ ફસાયેલા હોવાથી ગામના જાગૃત સરપંચ પ્રવિણસિંહ ચૌહાણને મેં ફોનથી જાણ કરતા સરપંચએ ઇનચાર્જ મામલતદાર પી.જી.પરખીયાને તાત્કાલીક ફોન પર જાણ કરી હતી. તેઓ તથા તેમની ટીમ નાનામાંડવા ગામે સ્થળ પર જવા તુરત જ રવાના થયા હતા.

પરંતુ મદદ પહોંચતા સમય લાગે તેમ હોવાથી તથા પાણીનું સ્તર વધુ જોખમી લાગતા ગામના જાગૃત સરપંચે સતકર્તા દાખવી ગામના યુવાનોને એકઠા કર્યા હતા અને પરીસ્થિતીથી વાકેફ કર્યા હતા. આથી ગામના ૩૦ જેટલા બહાદુર યુવાનોએ જીવના જોખમે જાડા રસ્સાની મદદથી નદીના સામાકાંઠે પહોંચી જોરૂભાઇ મોહનભાઇ ચૌહાણ ઉ.વ.૪૮, સોનલબેન જોરૂભાઇ ચૌહાણ ઉ.વ. ૪૬, શ્રધ્ધાબેન હરપાલભાઇ ચૌહાણ ઉ.વ. ૨૨, દિપાલીબેન જોરૂભાઇ ચૌહાણ ઉ.વ. ૧૬, હિરવાબેન જોરૂભાઇ ચૌહાણ ઉ.વ. ૧૪ તથા મીતરાજ જોરૂભાઇ ચૌહાણ ઉ.વ.૧૧ ને હૈયાધારણા આપી તેઓને બચાવ્યા હતા. તેઓનો ગામમાં વસવાટ ન હોવાને કારણે સરપંચ પ્રવિણસિંહ ચૌહાણએ પોતાના ઘરે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આશ્રય આપ્યો છે. જોરૂભાઇ ચૌહાણે તેમના કુટુંબને નવજીવન આપનાર ગામના સરપંચ અને તમામ યુવાનો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.