મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરમાં શાળાઓ દ્વારા દરેક પરિણામ બાદ પોતાની શાળાનું પરિણામ શ્રેષ્ઠ આવ્યું છે તેવું દર્શાવવા માટે ઉજવણી કરવાનો નવો ચીલો શરૂ થયો છે. જે અંતર્ગત આજરોજ ધો.12ના પરિણામ જાહેર થયા બાદ ધોળકિયા સ્કૂલ દ્વારા ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું હતું. દરમિયાન વિદ્યાર્થીઓ અને શાળાના કેમેરામેન વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ટોળા દ્વારા કેમેરામેનના કપડા ફાડવામાં આવ્યા હતા. શાળા સંચાલકોએ દોષનો ટોપલો અજાણ્યા શખ્સો પર ઢોળ્યો હતો.

શહેરની ધોળકિયા સ્કૂલ દ્વારા પોતાની શાળા ધોરણ-12ના પરિણામમાં નં.1 આવી હોવાનું દર્શાવવા હાથી, ઢોલી મંગાવી પૈસા ઉડાવાઇ રહ્યા હતા. દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓએ રાસ-ગરબા લઇ પરિણામમાં અવ્વલ રહ્યા છીએ તેવું સરઘસ કાઢ્યું હતું. સરઘસ દરમિયાન વિદ્યાર્થિનીઓ રાસ-ગરબા લઇ રહી હતી. ત્યારે અમુક વિદ્યાર્થીઓ ઓફ ડ્રેસમાં આવ્યા હતા અને વિદ્યાર્થીનીઓના ગ્રુપમાં ગરબા રમવા વચ્ચે ઘૂસ્યા હતા. 

જેને લઇને શાળાના ફોટોગ્રાફરે જ તેને દૂર રહેવા ટપાર્યા હતા. જેમાંથી બોલાચાલી થતા વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફરને માર માર્યો હતો. ઓફ ડ્રેસમાં આવેલા અમુક વિદ્યાર્થીઓ નશાની હાલતમાં હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. આ સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો. વિડીયોમાં મારામારી થતી હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. જો કે મારામારી કરી રહેલા શખ્સોએ કોઈ શાળાનો ડ્રેસ પહેર્યો નથી. પરંતુ તે શાળાના વિદ્યાર્થીઓ જ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

આ સમગ્ર મામલે ધોળકિયા સ્કૂલના સંચાલક જીતુભાઇ ધોળકિયાએ મિડિયાને જણાવ્યું હતું કે, સરઘસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા થઇ હતી. જેને લઇને કોઇ અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આમ શાળાના સંચાલકો દ્વારા મામલો દબાવી દોષનો ટોપલો અજાણ્યા શખ્સો પર ઢોળવાનો પ્રયાસ કરાયો હતો.